કેન્દ્રીય એજન્સીનો માણસ છું.. કહીને અમદાવાદના ગઠિયાએ વેપારીઓનું લાખોનું ફલેકું ફેરવ્યું, ક્રાઈમમાં ફરિયાદ
Image : Pixabay |
Ahmedabad: અમદાવાદના સરદારનગરની હોટલમાં રહીને ભરત છબડા (Bharat Chhabda) નામના એક ગઠિયાએ પોતાની ઓળખ કેન્દ્રીય એજન્સીના અધિકારી તરીકે આપી હતી. તે પછી પોતાની ઓળખાણથી તે સરકારી બદલી, કોન્ટ્રાક્ટ અપાવવાનું અને ફાઇલ પાસ કરવાની ખાતરી આપીને વેપારીઓ પાસેથી નાણાં લીધા બાદ પરત નહી કરીને મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી હોવાની બે ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધવામાં આવી છે.
અન્ય શહેરોમાં પણ લાખો રૂપિયાની છેતરપિંડી કરી
જો કે પ્રાથમિક તપાસમાં તેણે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે. શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા એક વેપારી યુવકને વર્ષ 2017માં ભરત છબડા નામના વ્યક્તિ સાથે મુલાકાત થઇ હતી. હરિયાણા (Haryana)ના ગુડગાવમાં રહેતા ભરત છબડાએ પોતાની ઓળખ કેન્દ્રીય એજન્સીના અધિકારી તરીકે આપી હતી. સાથેસાથે તેણે કહ્યું હતું કે તેનો પરિચય સરકારના તમામ વિભાગો છે. જેથી તેમાં આપવામાં આવતા કોન્ટ્રાક્ટ અપાવવામાં પણ તે મદદ કરી શકે છે. આમ, વેપારી યુવકને કોન્ટ્રાક્ટ અપાવીને ધંધામાં સેટ કરવાનું કહીને તેની પાસેથી 50 હજાર રૂપિયા લીધા હતા. બાદમાં કામ ન થતા યુવકે નાણાં પરત માંગતા તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
પોતાની ઓળખ કેન્દ્રીય ઉચ્ચ એજન્સીમાં હોવાનું કહ્યું
આ ઉપરાંત અન્ય બનાવમાં સરદારનગર કુબેરનગર બંગલા એરિયામાં રહેતા વેપારી સાથે ભરત છબડાએ મિત્રતા કેળવીને પોતાની ઓળખ કેન્દ્રીય ઉચ્ચ એજન્સીમાં હોવાનું કહ્યું હતું. જેમાં તે સરકારી અધિકારીની બદલી, કોન્ટ્રાક્ટ અને ફાઇલનું કામ કરાવી આપવાની ખાતરી આપી હતી. તે પછી તેણે પોતાની કાર રીપેર કરાવવા માટે નાણાં લીધા હતા અને વેપારીને પિતાને જેલમાંથી છોડાવવાનું કહીને દોઢ લાખ રૂપિયા પડાવ્યા હતા.
ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી
એટલું જ નહી અમદાવાદમાં તે વેપારીની કારમાં ફર્યો હતો અને તેના ખર્ચે હોટલમાં જમતો હતો. પરંતુ, વેપારીના પિતાને જેલમાંથી ન છોડાવી શકતા નાણાં પરત માંગતા ભરત છબડાએ ખોટા કેસની ધમકી આપી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાંચે આ અંગે બે અલગ અલગ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં તેણે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પણ અનેક લોકોને સરકારી કોન્ટ્રાક્ટ અને અન્ય કામ કરી આપવાના નામે લાખો રૂપિયાનો ચુનો લગાવ્યો હતો. જે તપાસમાં આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
કૌભાંડની તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા
અમદાવાદમાં રહેતા કિરણ પટેલ નામના ગઠિયાએ પોતાની ઓળખ પીએમઓમાં તેનું નેટવર્ક કાશ્મીર સુધી લંબાવ્યું હતું. જેમાં અનેક મોટા ખુલાસા થયા હતા. ત્યારબાદ થોડા દિવસ પહેલા રૂપેશ દોશી નામના ગઠિયાએ કેન્દ્ર સરકારના અધિકારીની ઓળખ આપીને અમદાવાદમાં અનેક રેસ્ટોરન્ટમાંથી ફુડ મંગાવ્યાનું કૌભાંડ સામે આવ્યું હતું. તે પછી અમદાવાદમાં વધુ વ્યક્તિનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં હરિયાણાના ગુડગાવમા રહેતા ભરત છબડા નામના વ્યક્તિએ કેન્દ્રીય એજન્સીના અધિકારી તરીકેની ઓળખ આપી વેપારીના પિતાના જેલમાંથી છોડાવવાનું અને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને લાખો રૂપિયા પડાવ્યા હતા. જે કૌભાંડની તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો : અમદાવાદ-થરાદ હાઈવે માટે 10000 ખેડૂતોની જમીન નષ્ટ થવાની દહેશત, 8 હેક્ટર તો જંગલની જમીન