અમદાવાદમાં છેલ્લાં દ્વારા છેલ્લા છ મહિનામાં ૯૬ બાળકોને રેસક્યુ કરાયા
રેસક્યુ કરાયેલા બાળકો બાળ મજુરી-ભીક્ષાવૃતિમાં હતા
બાળકો પાસે ભીક્ષાવૃતિ કરાવતા વાલીઓ સામે ગુના પણ નોંધાયાઃ બાળકોને રેસક્યુ કરવાની ડ્રાઇવ ચાલુ રહેશે
અમદાવાદ,બુધવાર
શહેરમાં ભીક્ષાવૃતિ , બાળ મજુરી કરતા બાળકોને રેસક્યુ કરીને તેમને સમાજની મુખ્ય દિશામાં સક્રિય કરવા માટે અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચના તાબામાં આવતા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા છેલ્લાં છ મહિનામાં ૯૬ જેટલા બાળકોને રેસક્યુ કરાયા છે. આ બાળકોમાં અલગ અલગ કારણોસર ગુમ થયેલા બાળકો પણ સમાવેશ થાય છે. પરંતુ, મોટાભાગના બાળકો બાળ મજુરી અને ભીક્ષાવૃતિ સાથે સંકળાયેલા હતા.અમદાવાદમાં કેટલીંક ગેંગ દ્વારા મોટાપાયે બાળકો પાસે ભીક્ષાવૃતિ ઉપરાંત, તેમની પાસે ડ્રગ્સની હેરફેર કે કેટલાંક અન્ય ગેરકાયદેસર કામો કરાવવામાં આવતા હોવાના કિસ્સા સામે આવ્યા હતા. જે અનુસંધાનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના એન્ટી ટ્રાફિકીંગ યુનિટ દ્વારા છ મહિના પહેલા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ૧૮ વર્ષથી નીચેની ઉમરના ૯૬ જેટલા બાળકોને રેસક્યુ કરવામા આવ્યા હતા. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે ભાટીયાએ જણાવ્યું કે ૯૬ બાળકો પૈકી ૬૫ બાળકો અમદાવાદમાં જાહેર સ્થળો તેમજ સિગ્નલ પર ભીક્ષાવૃતિ સાથે સંકળાયેલા હતા. જેમાં ૩૭ બાળકીઓેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, બાળ મજુરી કરતા ૨૮ બાળકોને સામાજીક સંસ્થાની મદદથી રેસક્યુ કરાયા છે. જેમાં તેમની પાસે મજુરી કરતા ૧૦ જેટલા એકમો સામે ગુના નોંધવામા આવ્યા છે. આ ઉપરાંત, આઠ સગીરોને અપહરણ અને ગુમ થયાના કેસમાં શોધી કાઢવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આ ડ્રાઇવ આગામી દિવસમાં ચાલુ રહેશે.