કોંગ્રેસના મહિલા કોર્પોરેટરને ધમકી, વિપક્ષ કે નેતા મેં સે તેરા નામ હટા દે નહીં તો એસિડ ડાલ કે જાન સે માર દૂંગા
અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નામમાં ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીનું નામ રેસમાં હોવાથી ધમકીઓ મળી
કોંગ્રેસના સાત કોર્પોરેટર દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ કરીને કોર્પોરેટરોને ટાર્ગેટ કરાતા હોવાનું કહ્યું
અમદાવાદઃ AMCમાં વિપક્ષના નેતાની પસંદગી મુદ્દે ચાંદખેડાનાં મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરીને એસિડ એટેક કરીને જાનથી મારી નાખવાની ધમકી મળતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વિપક્ષના નેતાની પસંદગીમાં રાજશ્રી કેસરીનું નામ પણ રેસમાં હોવાથી તેમને છેલ્લા 15 દિવસથી ધમકીઓ મળતી હતી.રાજશ્રી કેસરીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ઇમ્તિયાઝ શેખ અને જમશેદ શેખ વિરુદ્ધ ધમકી તેમજ એટ્રોસિટીની ફરિયાદ કરી છે. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
એસિડ એટેક કરીને જાનથી મારી નાંખવાની ધમકી મળી
ગઇ કાલે બપોરે બહેરામપુરાનાં કોર્પોરેટર કમળાબહેન ચાવડાનો તેમના પર ફોન આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી પોસ્ટને લઈને તેમને અવગત કર્યા હતાં. તેમણે રાજશ્રી કેસરીને કહ્યું હતું કે, આ પોસ્ટ ઇમ્તિયાઝ શેખ અને જમશેદ શેખે મૂકેલી છે. કમળાબહેને સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટના સ્ક્રીનશોટ રાજશ્રી કેસરીને મોકલી આપ્યા હતા.રાજશ્રી કેસરીને ઇમ્તિયાઝ શેખ છેલ્લા 15 દિવસથી અલગ અલગ નંબરથી ફોન કરીને ધમકી આપતો હતો કે વિપક્ષ કે નેતા મેં સે તેરા નામ હટા દે નહીં તો તેરે પે એસિડ ડાલ કે તુજે જાન સે માર દૂંગા, તુમ લોગોં કો બહોત ચરબી ચઢી હૈ તુમ્હારી ચરબી નિકાલની પડેગી.
કોંગ્રેસના કોર્પોરેટરોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે
રાજેશ્રીબેન કેસરીની એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હોવાથી જાણવા મળ્યું છે. જેમાં રાજેશ્રીબેને યુવકને ફોન ઉપર અપશબ્દો બોલીને ધમકીઓ આપી છે. ઓડિયો ક્લિપમાં હું રાજશ્રીબેન કેસરી બોલું છું, હું ખાનદાની રઇસ છું, તારામાં હિંમત હોય તો ચાંદખેડામાં આવીને બતાવ નહીં તો હું તને ઘરમાં ઘુસીને મારીશ. એમ કહી ક્લિપમાં ગાળો પણ બોલે છે. કોંગ્રેસના સાત કોર્પોરેટર દ્વારા સંયુક્ત પત્રકાર પરિષદ કરી જણાવવામાં આવ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વો દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસ પક્ષમાં પણ પાર્ટી હાઈકમાન્ડ સાથે વાત કરીશું
રાજશ્રીબેન કેસરીના સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને તેઓને બદનામ કરવામાં આવી રહ્યા છે. જ્યારે ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખે પણ જણાવ્યું હતું કે, અમારા કોંગ્રેસ પક્ષના મહિલા કોર્પોરેટરોને ફોન મેસેજ અને સોશિયલ મીડિયામાં ધમકી આપવામાં આવી રહી છે. જેને લઇને હવે અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષમાં પણ પાર્ટી હાઈકમાન્ડ સાથે વાત કરીશું. આમાં વિપક્ષના નેતાને લઈને કોઈ જૂથવાદ કે તેને લઈને કોઈ પણ બાબત નથી. હાલતો રાજશ્રી કેસરીને સતત ધમકીઓ મળતાં અંતે તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ચાંદખેડા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.