Get The App

અમદાવાદમાં 104 અને ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, 1921માં ગાંધીજીએ કર્યું હતું નેતૃત્વ

Updated: Apr 5th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં 104 અને ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, 1921માં ગાંધીજીએ કર્યું હતું નેતૃત્વ 1 - image


Ahmedabad Congress National Convention: અમદાવાદમાં આગામી સપ્તાહમાં કોંગ્રેસનું  રાષ્ટ્રીય અધિવેશન  યોજાવાનું છે.ઈતિહાસમાં ડોકિયું કરીએ તો 1902 અને 1921માં  અહીં અધિવેશન  મળેલાં, એ જોતાં કહી શકાય  કે ઘટનાનું 123 કે 104 વર્ષે પુનરાવર્તન થઈ રહ્યું છે. બીજો એક સંદર્ભ  જોઇએ તો, ભાવનગરમાં 1961માં રાષ્ટ્રીય અધિવેશન  યોજાયું તે પછી પહેલીવાર ગુજરાતમાં  મળી રહ્યું છે. 

કોંગ્રેસ અધિવેશનનું ભૂતકાળ

ભૂતકાળ તપાસીએ તો 1885માં સ્થપાયેલી  કોંગ્રેસનું  ગુજરાતમાં પહેલીવારનું અધિવેશન 1902માં અમદાવાદમાં યોજાયું હતું. સુરેન્દ્રનાથ બેનરજી એના પ્રમુખ હતા જ્યારે સ્વાગત પ્રમુખ દિવાનબહાદુર અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા. ત્યારબાદ બરાબર પાંચ વર્ષ બાદ, 1907માં સુરતમાં  રાષ્ટ્રીય અધિવેશન  યોજાયું તેના પ્રમુખ રાસબિહારી ઘોષ હતા. આ વખતે પણ સ્વાગત પ્રમુખ અંબાલાલ દેસાઈ જ હતા. 1902ના,અમદાવાદ અધિવેશનમાં સરસ્વતીચંદ્રના સર્જક તરીકે જાણીતા ગોવર્ધનરામ ત્રિપાઠી પણ પ્રતિનિધિ તરીકે  હાજર હોવાની નોંધ છે. ક.મા. મુનશીએ સ્વયંસેવક તરીકે ફરજ બજાવી હતી. હિન્દની ગરીબાઈ, દુષ્કાળ, કાપડ જકાત, ભારતીયો સાથે ભેદભાવ સહિતના મુદ્દે  બાવીસ ઠરાવ થયેલા.

આ પણ વાંચોઃ ડીસા બ્લાસ્ટકાંડ : ફેક્ટરીનો માલિક દીપક યુવા ભાજપનો હોદ્દેદાર નીકળ્યો, 18 વર્ષથી ગેરકાયદે ફેક્ટરી ચલાવતો

1921નું અધિવેશન, હાલ જ્યાં વી. એસ. હાસ્પિટલ આવેલી છે તે સ્થળે  યોજાયેલું. દેશબંધુ ચિરંજનદાસ એના પ્રમુખ ઘોષિત થયા હતાં, પરંતુ એમની અંગ્રેજ સરકારે ધરપકડ કરી લેતાં, કાર્યકારી પ્રમુખ તરીકે  હકીમ અજમલખાને જવાબદારી ઉઠાવી હતી. આ  અધિવેશનના સ્વાગત પ્રમુખ સરદાર સાહેબ હતા. અધિવેશનની સાથોસાથ સ્વદેશી અને હસ્તકારીગીરી અંગે એક વિશાળ પ્રદર્શન  પણ તેમની પ્રેરણાથી યોજાયેલું. આ અધિવેશનમાં અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, મુદ્દે એમણે ભાર મૂકેલો.

એવી પણ નોંધ છે કે, અમદાવાદના મિલ ઉધોગના ટેકનિકલ સ્ટાફે, બંગાળના લોકોને તાલીમ આપવાની તૈયારી બતાવેલી. 1907 અને 1938ના અધિવેશન સુરતના નામે લખાયેલાં છે અને બન્ને ખૂબ નોંધપાત્ર છે. 1907ના અધિવેશનમાં, જહાલ અને મવાળ પક્ષના પ્રતિનિધિઓ હાજર હતા અને પ્રમુખપદ મુદ્દે ભંગાણ સર્જાયું હતું. કદાચ આવી ઘટના પહેલીવારની હતી.

આ પણ વાંચોઃ અમદાવાદની 26 લાખ રહેણાંક, કોમર્શિયલ મિલકતને યુનિક નંબર અપાશે, GIS ટેક્નોલોજીની મદદ લેવાશે

લાંબા અંતરાલ પછી  પક્ષના રાષ્ટ્રીય અધિવેશન માટે 1961માં ગુજરાતના ભાવનગરની પસંદગી કરવામાં આવી હતી. નીલમ સંજીવ રેડ્ડી એના પ્રમુખ હતા અને સ્વાગત પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ હતાં. ગુજરાતના અલગ રાજ્યની સ્થાપના પછીનો કોંગ્રેસનો આ મોટો પ્રસંગ હતો. એ ટાણે  ગુજરાત અંગેનો એક સર્વગ્રાહી, માહિતીપ્રદ દળદાર ગ્રંથ બહાર પડ્યો હતો.

ગુજરાતમાં અધિવેશનની  આ એક નોંધ માત્ર છે પણ સાથે સાથે એ ગુજરાતી મહાનુભાવોને સ્મરી લઈશું જેમણે એક કાળે, આઝાદીની  લડત લડતા રાજકીય જ નહીં પણ સાંસ્કૃતિક પરિબળ  તરીકે જેનું આગવું પ્રદાન હતું એવા કોંગ્રેસ પક્ષને  દોરવણી આપવાનું કામ કર્યું હતું. એ સ્મરણયાદીમાં  દાદાભાઈ નવરોજજી, ફિરોઝશાહ મહેતા, મહાત્મા  ગાંધી, સરદાર સાહેબ તો છે જ પણ શેઠ રણછોડલાલ અમૃતલાલ અને ઢેબરભાઈ એટલે કે ઉચ્છંગરાય ઢેબર નોંધપાત્ર મહાનુભાવો છે. દાદાભાઈએ 1886ના કોલકાતા, 1893ના લાહોર, 1906ના કોલકાતા અધિવેશનની બાગડોર સંભાળી હતી. ફિરોઝશાહ મહેતા 1890ના કોલકાતા અધિવેશનમાં પ્રમુખપદે હતાં.

એક ભવ્ય ભૂતકાળ ધરાવતી આ સંસ્થા અનેકવિધ કારણોસર  પ્રાસંગિકતા ગૂમાવી બેઠી છે. આજે ગુજરાતમાં એકેય નેતા રાષ્ટ્રીય કદકાઠી ધરાવતો નજરે પડતો નથી. એથીય આગળ વધીને કહીએ તો રાજ્યની સ્થિતિ પણ એવી છે કે આખા રાજ્યને દોરી શકે એવું કૌવત એક પણ નેતા ધરાવતો નથી.

ગાધીજીએ 1924 માં અધિવેશનનું નેતૃત્વ કર્યું હતું

ગાંધીજીએ 1924ના બેલગામ(કર્ણાટક) અધિવેશનનું નેતૃત્વ કરેલું, સરદાર સાહેબે 1931માં કરાચીમાં. ઢેબરભાઈ 1955 થી 1959 દરમિયાન પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રહેલા અને અવડી(મદ્રાસ) 1955, 1956-અમૃતસર, 1957-ઈન્દોર, 1958- ગુવાહાટી અને 1959ના નાગપુર અધિવેશનના પ્રમુખ રહ્યા હતા. એક નોંધપાત્ર  ઘટના એપ્રિલ 1932ની છે. અંગ્રેજ હકુમતે કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકયો હતો. એ સમયે દિલ્હીમાં, ચાંદની ચોક વિસ્તારના ઘંટાઘર ખાતે  ગુપ્ત અધિવેશન  યોજાયું હતું. મદનમોહન માલવિયા તેનું નેતૃત્વ કરવાના હતા પણ એમની ધરપકડ થઈ, એટલે અમદાવાદના  શેઠ  રણછોડલાલ  અમૃતલાલે  પ્રમુખપદ સંભાળેલું એવું જાણકારો ઠરાવે છે.

Tags :