અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ કાબુમાં, ગુનાખોરીમાં જંગી ઘટાડો થયાનો પોલીસનો દાવો
Ahmedabad City Police : ગુજરાતમાં ગુનાખોરીની પરાકાષ્ઠા વધી રહી છે, ત્યારે અમદાવાદમાં દુષ્કર્મ, હત્યા, મારામારી, લૂંટ, નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવું, હિટ ઍન્ડ રન કેસ સહિતના ગુનાઓ દિવસે-દિવસે વધી રહ્યાં છે. તો બીજી તરફ, અમદાવાદ શહેર પોલીસ એવો દાવો કરી રહી છે કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થા બિલકુલ કાબુમાં છે અને ગુનાખોરીમાં જંગી ઘટાડો થયો છે. જેમાં અમદાવાદ શહેર પોલીસે વર્ષ 2023-24ના હત્યા, લૂંટ, મારામારી સહિતના 12થી વધુ ગુનાઓની આંકડાકીય માહિતી જાહેર કરી છે.
જુઓ અમદાવાદ શહેરના ક્રાઇમના આંકડા
ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિતના જિલ્લામાં ક્રાઇમરેટ વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થા કાબુમાં હોવાનો દાવો કર્યો છે. જ્યારે અમદાવાદ શહેરમાં કેટલાક દિવસોમાં હત્યા, મારામારી, હિટ ઍન્ડ રન સહિતના કેસોમાં થયેલો વધારો આપણી નજર સમક્ષ જ છે. જેમાં જાન્યુઆરથી ઑક્ટોબર 2024 એટલે કે 10 મહિનામાં હત્યાના 73, હત્યાના પ્રયાસના 74, ધાડના 10, લૂંટના 96, ઘરફોડના 312, ચેઇન સ્નેચિંગના 94, વાહન ચોરીના 1525, સામાન્ય ચોરીના 3150, મારામારીના 1416, છેડતીના 159, હોબાળો-બબાલના 51, છેતરપિંડીના 420, એટ્રેસિટીના 125, સાયબર ક્રાઇમના 251 અને પાસાના 806 થઈને કુલ આઠ હજારથી પણ વધુ ગુનાઓ અમદાવાદ શહેર પોલીસના ચોપડે નોંધાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં નકલીની બોલબાલા! સુરતમાંથી 14 બોગસ ડૉક્ટર પકડાયા, 1200 જેટલી નકલી ડિગ્રી જપ્ત
જ્યારે શહેર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા ગુનાઓના આંકડાઓમાં વર્ષ 2023ના 10 મહિનાની તુલનામાં વર્ષ 2024માં ગુનામાં ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.