અમદાવાદના 'ડોક્ટર'ની દાદાગીરી, પાર્કિંગ મુદ્દે સૂચના આપતા સિક્યુરિટી ગાર્ડને ગુંડા બોલાવીને માર માર્યો, 3ને ઈજા
Doctor Beat Security Guard in Ahmedabad : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ઉપવન રેસિડેન્સીમાં પુષ્પમ હોસ્પિટલના ડોક્ટરની દાદાગીરી સામે આવી છે. જેમાં સિક્યુરિટી ગાર્ડે વાહન પાર્ક કરવા માટે સૂચના આપતા હુમલો કર્યો હતો. આ ઘટનામાં ડોક્ટરે માથાભારે શખ્સોને બોલાવીને સિક્યુરિટી ગાર્ડને ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
સિક્યુરિટી ગાર્ડ સહિત 3 લોકોને ઈજા
વાહન પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં ડોક્ટરે પિત્તો ગુમાવ્યો હતો. ડોક્ટરે સિક્યુરિટી ગાર્ડને મારવા માટે બહારના શખ્સોને બોલાવ્યા હતા. માથાભારે શખ્સો સાથે મળીને ડોક્ટરે ઢીંકાપાટુ વાળી કરી હતી. જેમાં સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે. ચાંદખેડા પોલીસે અરજી લઈને તપાસ શરૂ કરી છે.
પોલીસે ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધાતા રહીશોમાં રોષ
તો બીજી તરફ પોલીસ દ્વારા ડોક્ટરને છાવરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાના આરોપ લાગી રહ્યા છે. કારણ કે પોલીસે હજુ સુધી ડોક્ટર વિરૂદ્ધ ફરિયાદ નોંધી નથી. પોલીસે માત્ર સિક્યુરિટી ગાર્ડની અરજી લઈને ડોક્ટરને બચાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ કરાયો હતો. પોલીસે કાર્યવાહી ના કરતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.