હે રામ! ગાંધી જ્યંતિએ ગાંધી છાપ નોટો લેતાં CGSTના ઇન્સ્પેક્ટર રંગે હાથ ઝડપાયા
Ahmedabad ACB : અમદાવાદ એસીબીના સ્ટાફે ગાંધી જ્યંતિના દિવસે જ સેન્ટ્રલ જીએસટીના ઇન્સ્પેક્ટરને રૂપિયા 10 હજારની લાંચ લેતાં ઝડપી લીધા હતા. આ કેસના ફરિયાદી હાઉસ કિપિંગની એજન્સી ધરાવે છે અને તેમણે સર્વિસ ટેક્સ ભર્યો ન હોવાથી એજન્સીનું બૅંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. જે અનફ્રીઝ કરવાના બદલામાં સેન્ટ્રલ જીએસટીના ઇન્સ્પેક્ટરે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. જે અનુસંધાનમાં ફરિયાદ કરવામાં આવતાં એસીબીએ ચાંદખેડામાં ટ્રેપ ગોઠવીને તેમને ઝડપી લીધા હતા.
બૅંક એકાઉન્ટ અનફ્રીઝની પ્રોસેસ માટે 10 હજારની માંગ્યા હતા
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ચાંદખેડામાં રહેતા એક વ્યક્તિ તેમની માતાના નામે હાઉસ કિપિંગ સર્વિસની એજન્સી ધરાવે છે. તેમણે વર્ષ 2014થી 2017 દરમિયાન સેન્ટ્રલ જીએસટીમાં સર્વિસ ટેક્સ ભર્યો નહોતો. જેથી તેમને નોટીસ ઇશ્યુ કરીને બૅંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. જેથી ફરિયાદી અપીલમાં ગયા ત્યારે સેન્ટ્રલ જીએસટી વિભાગના ઇન્સ્પેક્ટર ઘનશ્યામ ધોલપુરિયાએ એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એન્ક્લોઝર નંબર આપવાના બદલામાં રૂપિયા 10 હજારની લાંચ માંગી હતી.
જે અંગે ફરિયાદીએ અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરતાં ચાંદખેડા એએમટીએસ બસ સ્ટેશન પાસે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં ઇન્સ્પેક્ટર ઘનશ્યામ ધોલપુરિયાને લાંચ લેતાં રંગે હાથે ઝડપી લીધા હતા. આ અંગે એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.