SG હાઈવે કાર સ્ટંટ કેસ: નાસી છૂટેલા આરોપી મનીષ ગૌસ્વામીની SUV કાર સાથે ધરપકડ
Ahmedabad SG Highway Car Stunt : અમદાવાદના એસ.જી હાઇવે પર 15 દિવસ પહેલા છ જેટલી લક્ઝરી કારને ચલાવીને કેટલાંક યુવકોએ વિડીયો રીલ બનાવી હતી, જેમાં રસ્તો બ્લોક થાય તે રીતે કાર ચલાવી હતી. જે અંગે ટ્રાફિક પોલીસે અગાઉ છ યુવકોની ધરપકડ કરી હતી અને મનીષ ગોસ્વામી નામનો યુવક ફરાર થઇ ગયો હતો. જેની રવિવારે મોડી સાંજે ધરપકડ કરી હતી. મનીષે નવી કાર લીધી હોવાથી તેણે તેના મિત્રો સાથે એસ જી હાઇવે પર રીલ બનાવવા માટે કાર સ્ટંટ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
વાયરલ વિડીયોના આધારે ગુનો નોંધતા આરોપી મધ્યપ્રદેશ જતો રહ્યો હતોઃ અગાઉ પાંચ આરોપી ઝડપાયા હતા ગત 24મી ઓગસ્ટના રોજ સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં છ થી વધારે લક્ઝરી કારના કાફલાને બેદરકારી પૂર્વક એસ.જી હાઇવે પર ચલાવીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. જેના આધારે એસ જી હાઇવે-02 ટ્રાફિક પોલીસે ગુનો નોધીને કાર્યવાહી કરીને છ આરોપીઓની ઝડપી લીધા હતા.
આ કેસનો મુખ્ય આરોપી મનીષ ગોસ્વામી હાથ લાગ્યો નહોતો. જે રવિવારે ઘરે આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે તેને ગોતા પરિવાર હોમ્સથી ઝડપી લીધો હતો. પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે મનીષે 18મી ઓગસ્ટના રોજ નવી કાર લીધી હતી. જેથી તેના મિત્રો સાથે મળીને એસ.જી હાઇવે પર સાત જેટલી કાર સાથે ચલાવીને સ્ટંટ કરીને તેની રીલ સોશિયલ મિડીયામાં મુકી હતી.
જો કે ગુનો દાખલ થતા તે મધ્યપ્રદેશ જતો રહ્યો હતો. આ કેસમાં અગાઉ પોલીસે મેક્ષ પટેલ, પ્રિતમ સેમરિયા, આશિષ પ્રજાપતિ, ગોવિંદસીંગ ચૌહાણ, ઇશ્વર રાઠોડ અને મીતેષ ગોસ્વામીની ધરપકડ કરી છ લક્ઝરી કાર જપ્ત કરી હતી.