અમેરિકાની નાગરિકતા અપાવવાનું કહી ગઠિયાઓએ અમદાવાદના વેપારીનું 3.10 કરોડનું ફલેકું ફેરવ્યું
US Citizenship Fraud: શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા વેપારીના પરિવારને અમેરિકાની સિટીઝનશીપ અપાવવાની ખાતરી આપીને બે ગઠિયાઓએ પાંચ લાખ ડોલર એટલે કે 3.10 કરોડ રૂપિયાનું રોકાણ કરાવીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ક્રાઈમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે.
અમેરિકાની કંપનીમાં રોકાણની સામે વધુ વળતરની ખાતરી આપી
આરોપીઓએ પાંચ લાખ ડોલરના રોકાણની સામે સાત લાખ ડોલર પરત કરવાનું કહીને અમેરિકા સ્થિત કંપનીમાં નાણાં રોકાવ્યા હતા. જો કે બાદમાં કોરોના કાળમાં કંપની બંધ કરી દીધી હતી. આ કેસના બે આરોપીઓ પૈકી એક આરોપી હાલ અમેરિકામાં રહેતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે
રાણીપમાં આવેલી દેવમંદિર સોસાયટીમાં રહેતા યોગેશભાઈ પટેલને વર્ષ 2014માં વિક્રમ વાઘેલા (રહે. ભાગ્યોદય સોસાયટી, રાણીપ) અને મોહિત શાહ (રહે. લવ કુશ એપાર્ટમેન્ટ, થલતેજ) સાથે મુલાકાત થઇ હતી.
તેમણે યોગેશભાઇને જણાવ્યું હતું કે તે અમેરિકાના ન્યુજર્સીના એટલાન્ટીક સીટીમાં મીપ્ટેગ કોર્પોરેશન નામની કંપની ધરાવે છે. તેમની કંપનીમાં પાંચ લાખ યુએસ ડોલરનું રોકાણ કરે તો તેમને પરિવાર સાથે વિઝા કરાવી આપશે અને રોકાણની સામે કુલ સાત લાખ યુએસ ડોલર પરત કરશે.
બંનેની વાત પર ભરોસો કરીને યોગેશભાઈએ મીપ્ટેગ કંપનીમાં રોકાણ કરવાના કરાર કરીને પાંચ લાખ યુએસ ડોલર એટલે કે 3.10 કરોડની રકમ સાત મહિનાના સમયમાં ચુકવી આપી હતી. ત્યારબાદ યોગેશભાઈ અને તેમના પરિવારના સભ્યોના વિઝાની પ્રોસેસ માટે વિવિધ દસ્તાવેજો લીધા હતા. જો કે 2017 સુધી વિઝાની કામગીરી પૂર્ણ થઇ નહોતી અને રોકાણની સામે વળતર આપવા માટે નક્કી કરાયેલી સમય મર્યાદા પણ પુરી થઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ્સ
આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધી
આ દરમિયાન તેમની વિઝાની ફાઈલ રદ થયાનું જાણવા મળ્યું હતું. જેથી યોગેશભાઈએ નાણાં પરત માંગતા બંને જણાએ ધમકી આપી હતી કે તમારા નાણાં ખર્ચ થઈ ગયા છે. જેથી હવે પરત મળશે નહી. છેવટે આ અંગે અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.