અમદાવાદીઓ ફરી એકવાર ભીંજાવા તૈયાર રહેજો, હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Image : pixabay |
Ahmedabad Rain Forecast: અમદાવાદ (Ahmedabad)માં ચોમાસું ધીમે-ધીમે જામી રહ્યું છે. હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર આગામી બે દિવસ અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ (Heavy Rain)પડે તેવી પૂરી સંભાવના છે.
આગામી પાંચ દિવસ વરસાદી કેવો રહેશે માહોલ
હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં વરસાદની આજે (30 જૂન) 89 ટકા, સોમવારે (01 જૂલાઈ) 78 ટકા જેટલી સંભાવના છે. હાલની સ્થિતિ પ્રમાણે આજે બપોર બાદ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં રવિવાર-સોમવાર તેમજ 4-5 જુલાઇના વરસાદનું જોર વધારે રહી શકે છે.
શહેરમાં શનિવારે વરસાદ વરસ્યો હતો
શનિવારે દિવસ દરમિયાન અમદાવાદમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 1 ઈંચ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 0.80 ઈંચ જ્યારે અન્યત્ર સરેરાશ અડધા ઇંચ જેટલા વરસાદનો સમાવેશ થાય છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં અત્યારસુધી સરેરાશ સવા બે ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા કલાકમાં વરસાદી પાણી ભરાવાની 15, ઝાડ પડયાની 6, રોડ સેટલમેન્ટની બે ફરિયાદ કન્ટ્રોલ રૂમને મળી હતી. 29 જૂનના સાંજે ચાર વાગ્યે વાસણા બેરેજ લેવલ 131.50 ફૂટ નોંધાયું હતું.