Get The App

પ્રિયાંશુ જૈન હત્યા કેસ : દારૂના નશામાં છરીના ઘા માર્યા બાદ ડરીને મિત્રની કારને લઇને પંજાબ નાસી ગયો હતો હત્યારો કોન્સ્ટેબલ

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News


પ્રિયાંશુ જૈન હત્યા કેસ : દારૂના નશામાં છરીના ઘા માર્યા બાદ ડરીને મિત્રની કારને લઇને પંજાબ નાસી ગયો હતો હત્યારો કોન્સ્ટેબલ 1 - image

Bopal Murder Case : અમદાવાદ શહેરના બોપલમાં ચાર દિવસ પહેલા વાહન ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે આરોપીની પંજાબથી ધરપકડ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રિયાંશુની હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. હત્યાની રાત્રે તેણે દારૂના નશામાં હુમલો કર્યો હતો. બાદમાં તે પોલીસથી બચવા માટે ફરવાના બહાને તેના મિત્રની કાર લઇને પંજાબ તરફ ફરાર થઇ ગયો હતો. ક્રાઇમબ્રાંચની ટીમ ગુરૂવારે સાંજ સુધીને તેને અમદાવાદ લાવશે.

પ્રિયાંશુએ ઠપકો આપતા વિરેન્દ્રસિંહે કર્યા છરીના ઘા : અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં આવેલા એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ માઇકામાં અભ્યાસ કરતો પ્રિયાંશુ જૈન તેના મિત્ર સાથે રવિવારે રાત્રે બાઇક પર પરત જતો હતો. ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પુરઝડપે જતી કારના ચાલકને પ્રિયાંશુએ ઠપકો આપીને ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે ઝપાઝપી કરીને તેને પડખામાં છરીના ઘા માર્યા હતા. ત્યારબાદ પ્રિયાંશુને ખાનગી હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું.

CCTVના આધારે શરૂ કરાઈ તપાસ : બોપલ હત્યા કેસમાં બોપલ પોલીસ, ગ્રામ્ય એલસીબી અને એસઓજી ઉપરાંત, અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ પણ કામે લાગી હતી. જેમાં ક્રાઇમબ્રાંચના પીઆઇ મહેન્દ્ર સાલંકીની ટીમ દ્વારા ઘટના સ્થળેથી આસપાસના એક કિલોમીટરના વિસ્તારમાં સીસીટીવી ફુટેજની તપાસ કરતા એક નંબર પ્લેટ વિનાની કાળા રંગની હેરીયર કાર જોવા મળી હતી. જો કે ત્યારબાદ તપાસ કરતા કાર અંગે ભાળ મળી નહોતી. જેથી અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરાઈ હતી.

પોલીસને એક વ્યક્તિ પાસેથી મળી કાર : તપાસ દરમિયાન કાર બોપલમાં રહેતા એક વ્યક્તિને ત્યાંથી મળી હતી. પોલીસે તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, 'રવિવારે રાતના વિરેન્દ્રસિંહ તેના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે તે સીક લીવ પર હોવાથી પંજાબ-હરિયાણા ફરવા જવાનો છે. પરંતુ, તેની કારમાં નંબર પ્લેટ ન હોવાથી તે કાર મુકીને તેના મિત્રની કાર લઇને નીકળી ગયો હતો.' પોલીસને જાણવા મળ્યું હતું કે, વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો. આમ, પોલીસને હત્યા કેસમાં મહત્વની કડી મળી હતી. 

ફાસ્ટેગથી કપાતા નાણાંના મેસેજથી કરાયો હતો : ટ્રેક વિરેન્દ્રસિંહ તેના મિત્રની જે કાર લઇને ગયો હતો તે કારના હાઇવે પરના ટોલનાકાથી ફાસ્ટેગ દ્વારા કપાતા નાણાંના મેસેજને ટ્રેક કરતા જાણવા મળ્યું હતું કે તે રાજસ્થાના અજમેર અને અલવર થઇને પંજાબમાં પ્રવેશ્યો છે. જેથી અમદાવાદ ક્રાઇમબ્રાંચની એક ટીમને મોકલવામાં આવી હતી અને પંજાબના સંગુદર હાઇવે પરથી કાર સાથે વિરેન્દ્રસિંહને ઝડપી લીધો હતો. હાલ પોલીસની ટીમ તેને લઇને અમદાવાદ પરત આવી રહી છે. 

પ્રિયાંશુની હત્યા કર્યાનું કબૂલ્યું : પ્રાથમિક તપાસમાં તેણે કબૂલ્યું હતું કે પ્રિયાંશુએ ઠપકો આપતા તેણે છરીને ઘા પડખામાં માર્યા હતા, ત્યારે જ સમજી ગયો હતો કે તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. જેથી બચવા માટે નાસી ગયો હતો. બીજા દિવસે સવારે તેને પ્રિયાંશુનું મોત થયાનું પણ જાણવા મળ્યું હતું. અમદાવાદ ક્રાઇમબ્રાંચ તેને પરત લાવીને બોપલ પોલીસને સોંપવાની કામગીરી પૂર્ણ કરશે.

પ્રિયાંશુ જૈન હત્યા કેસ : દારૂના નશામાં છરીના ઘા માર્યા બાદ ડરીને મિત્રની કારને લઇને પંજાબ નાસી ગયો હતો હત્યારો કોન્સ્ટેબલ 2 - image

પોલીસને મલ્ટી ટ્રેકિંગ ઇન્વેસ્ટીગેશન સિસ્ટમથી સફળતા મળી

ચકચારી હત્યા કેસની તપાસ કરવા માટે ક્રાઇમબ્રાંચે મલ્ટી ટ્રેકિંગ સિસ્ટમ અપનાવી હતી. જેમાં ઘટના સ્થળેથી પસાર થતા તમામ રસ્તાઓ પર અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી તપાસ્યા હતા. જેમાં કાળા રંગની હેરિયર કાર પર શંકા જતા તપાસ તે દિશામાં શરૂ કરી હતી. બીજી તરફ વિરેન્દ્રસિંહની કાર તેના મિત્રને ત્યાંથી મળવાની સાથે તેનો મોબાઇલ સ્વીચ ઓફ હતો. જેથી શંકા મજબુત બની હતી.

પ્રિયાંશુ જૈન હત્યા કેસ : દારૂના નશામાં છરીના ઘા માર્યા બાદ ડરીને મિત્રની કારને લઇને પંજાબ નાસી ગયો હતો હત્યારો કોન્સ્ટેબલ 3 - image

વિરેન્દ્રસિંહ પઢેરિયા અગાઉ પણ વિવાદમાં આવ્યો હતો

નિર્દોષ પ્રિયાંશું જૈનની હત્યામાં સંડોવાયેલો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા અગાઉ અનેકવાર વિવાદમાં આવ્યો હતો. સેટેલાઇટ પોલીસ મથકે ફરજ બજાવતો હતો ત્યારે તેને કોલ સેન્ટર કૌભાંડમાં સસ્પેન્ડ કરાયો હતો. બાદમાં તેની બદલી નારોલ પોલીસ સ્ટેશનમાં થઇ હતી. જ્યાં તેણે પોલીસ સ્ટાફ સાથે તેમજ અનેક લોકો સાથે નાના-મોટા ઝઘડા કર્યા હતા. થોડા મહિના પહેલા તેની બદલી સરખેજ પોલીસ સ્ટેશનમાં થઇ હતી. પરંતુ, 29મી ઓક્ટોબરથી તે સીક લીવ પર હતો. વિરેન્દ્રસિંહને દારૂ પીવાની ટેવ હોવાનું પણ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રિયાંશુ જૈન હત્યા કેસ : દારૂના નશામાં છરીના ઘા માર્યા બાદ ડરીને મિત્રની કારને લઇને પંજાબ નાસી ગયો હતો હત્યારો કોન્સ્ટેબલ 4 - image



Google NewsGoogle News