Ahmedabad Blast Case: UAPA અંતર્ગત 38 દોષિતને ફાંસી, 11ને જનમટીપ
- મૃતકના પરિવારજનોને 1 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત લોકોને 50,000 તેમ જ સામાન્ય ઈજાગ્રસ્ત થયેલા લોકોને 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે
અમદાવાદ, તા. 18 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર
અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ મામલે આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા સજાનું એલાન કરવામાં આવ્યું છે જેમાં 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે જ્યારે 11ને જનમટીપની સજા ફટકારવામાં આવી છે. આરોપી નંબર 1થી 18, 27, 28, 31, 36, 37, 38, 39, 40, 42, 44, 45, 47, 49, 63, 69, 70, 75, 78ને ફાંસીની સજા આપવામાં આવશે. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત એક સાથે 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
ઉપરાંત દરેક દોષિતને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને દંડ ન ભરે તો વધુ 2 મહિનાની સજા ભોગવવાની રહેશે.
આ સાથે જ મૃતકના પરિવારજનોને 1 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્ત લોકોને 50,000 તેમ જ સામાન્ય ઈજાગ્રસ્ત થયેલા લોકોને 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે.
ગત 08 ફેબ્રુઆરીના રોજ સીરિયલ બોંબ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો હતો જેમાં દેશના ઈતિહાસમાં પ્રથમ વખત 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
ગત 15 ફેબ્રુઆરીના રોજ વર્ષ 2008માં અમદાવાદ ખાતે થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિતોને સજા મામલે તમામ પક્ષે સુનાવણી પૂર્ણ થઈ હતી. વિશેષ કોર્ટે દોષિતોનો, બચાવ પક્ષના વકીલોનો અને પ્રોસીક્યુશનનો પક્ષ સાંભળ્યો હતો. પ્રોસિક્યુશન દ્વારા દોષિતોને ફાંસીની સજાની માગણી કરવામાં આવી હતી જ્યારે બચાવ પક્ષે લઘુત્તમ સજાની માગ કરી હતી.
ઋષિ વાલ્મિકીનું ઉદાહરણ
સજાની સુનાવણી અગાઉ આરોપીઓના વકીલ તરફથી કોર્ટ સમક્ષ દોષિતોને સુધારાનો અવકાશ આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ માટે ઋષિ વાલ્મિકીનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને તેમને સુધરવાની એક તક આપવી જોઈએ. આ ઉપરાંત આરોપીઓની વિગતો, પારિવારીક સ્થિતિ, મેડીકલ પુરાવા વગેરે રજૂ કરવા 3 સપ્તાહના સમયની માગ કરવામાં આવી હતી.
દોષિતોએ જઘન્ય ગુનો કર્યો છે, સજા થવી જોઈએ
સુનાવણી દરમિયાન સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે માટે તેમને મહત્તમ સજા થવી જોઈએ. આ માટે કોર્ટમાં રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો રેફરન્સ પણ આપવામાં આવ્યો હતો. સાથે જ એક ચુકાદાનો હવાલો આપીને સરકારી વકીલોએ રજૂઆત કરી હતી કે, વાલ્મિકીઓ રોજ નથી થતા કે તેમનામાં સુધારાનો અવકાશ હોય. આ ઉપરાંત કોર્ટને આરોપીઓના ગુનાહીત ઈતિહાસ, સુરંગકાંડ જેવી બાબતો ધ્યાનમાં લેવા રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈ, 2008ના રોજ નદીપારના 20 વિસ્તારો શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યા હતા. શ્રેણીબદ્ધ 21 બોમ્બ ધડાકાઓમાં 56 લોકોના મોત થયા હતા અને 250 કરતાં પણ વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં તમામ આરોપીઓને કલમ 302 અને 120 અંતર્ગત દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને 302ની કલમ હેઠળ આજીવન કેદ કે મૃત્યુ દંડની સજા આપવાની જોગવાઈ છે.