મન્નાપુરમની બ્રાંચ હેડ દ્વારા છેતરપિંડી કરાતા આસી. મેેનેજર યુવકે જીવન ટુંકાવ્યું
અમરાઇવાડી તેજેન્દ્ર કોમ્પ્લેક્સની ઘટના
બ્રાંચ હેડ દ્વારા અંગત વપરાશમાં નાણાં લઇન પરત ન કરતા ઓડિટમાં ઘટ્ટ આવતા યુવકે આત્મહત્યા કર્યાનો ખુલાસો
અમદાવાદ,શનિવાર
શહેરના રામોલમાં આવેલી માતૃભક્તિ સોસાયટીમાં રહેતા ્અને અમરાઇવાડીમાં આવેલી મન્નાપુરમ ફાઇનાન્સમાં આસીસન્ટ બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા યુવકે બ્રાંચ હેડ દ્વારા છેતરપિંડી કરતા આત્મહત્યા કરી હોવાની ફરિયાદ રામોલ પોલીસ મથકે નોંધાઇ છે. શહેરમા રામોલમાં આવેલી માતૃભક્તિ સોસાયટીમાં રહેતો હર્ષ વિશ્વકર્મા અમરાઇવાડી તેજેન્દ્ર કોમ્પ્લેક્સમાં આવેલા મન્નાપુરમ ફાઇનાન્સ કંપનીમાં આસીસટન્ટ બ્રાંચ મેનેજર તરીકે નોકરી હતો.
૧૩ દિવસ પહેલા તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. આ અંગે રામોલ પોલીસે મૃતકના ભાઇ સંદિપ વિશ્વકર્માનું નિવેદન નોંધ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે હર્ષની બ્રાંચમાં વિનય દેત્રોજિયા હેડ તરીકે નોકરી કરતો હતો. તેણે હર્ષ પાસેથી તબક્કાવાર કુલ ૪.૭૭ લાખ રોકડા લીધા હતા. જે નાણાં પરત આપવાની ખાતરી આપી હતી અને નાણાનું સેટીંગ કરવા માટે તેણે હર્ષના નામે ખોટી ગોલ્ડ લોન કરાવી લીધી હતી. જે લોન તરીકે પરત જમા આપવાનું નક્કી થયું હતું. પરંતુ, ઓડિટ આવ્યું ત્યારે નાણાંની ઘટ્ટ આવી હતી અને આ નાણાં પરત આપવાનો વિનયે ઇન્કાર કરતા માનસિક દબાણમાં આવીને હર્ષે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે રામોલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.