અમદાવાદમાં 10 વર્ષમાં હવાઈ મુસાફરોની અવર-જવર બમણી વધી, ઈન્ટરનેશનલ ટ્રાવેલર 50% વધ્યા
Ahmedabad Airport Passenger Growth: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મુસાફરોની અવર-જવરમાં 10 વર્ષમાં બમણો વધારો થયો છે. વર્ષ 2015 માં 60.15 લાખ મુસાફરોની અવર-જવર નોંધાઈ હતી જ્યારે 2024 માં વધીને 1.27 કરોડ થઈ ગઈ છે. બીજી તરફ ફ્લાઈટ મૂવમેન્ટ પણ 2024 માં 96,977 નોંધાઈ છે, જે 2015 માં 44,998 હતી.
ઈન્ટરનેશનલ મુસાફરોની અવર-જવરમાં પણ 50% નો વધારો નોંધાયો છે. 2015 માં 9764 ફ્લાઈટમાં 14.68 લાખ મુસાફરોની અવર-જવર નોંધાઈ હતી. આમ, એ વખતે પ્રત્યેક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં સરેરાશ 150 મુસાફરો હતા. બીજી તરફ 2024 માં 14,616 ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં 21.64 લાખ મુસાફરોની અવર-જવર હતી.
આ સ્થિતિએ 2015 કરતાં 2024 માં ઈન્ટરનેશનલ ફ્લાઈટની અવર-જવરમાં પણ 50% થી વધુનો વધારો થયો છે. બીજી તરફ ડોમેસ્ટિક ફ્લાઈટની અવર-જવર 2024 માં 82,361 નોંધાઈ હતી જ્યારે 2015 માં 34,934 ફ્લાઈટ હતી.
આમ, 10 વર્ષ અગાઉ દરરોજની સરેરાશ 95 ફ્લાઈટની અવર-જવર હતી અને તે 2024 માં વધીને 225 થઈ ગઈ છે. હાલ અમદાવાદ એરપોર્ટમાં દરરોજની સરેરાશ 240 થી વધુ ફ્લાઈટની અવર-જવર નોંધાય છે.
2024 માં પ્રત્યેક ડોમેસ્ટિક ફ્લાઈટમાં સરેરાશ 129 જેટલા મુસાફરો નોંધાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ઉનાળાના વેકેશનનો પ્રારંભ થવામાં છે ત્યારે મુસાફરો અને ફ્લાઈટની અવર-જવરમાં ખૂબ જ વધારો જોવા મળશે. ગયા વર્ષે એપ્રિલમાં 8.44 લાખ જ્યારે મે માં 9.15 લાખ મુસાફરો નોંધાયા હતા.