દિવાળી વેકેશનમાં પ્લેનથી ફરવા જવાના હોવ તો ચેતજો! ઍરપૉર્ટે જાહેર કરી એડવાઇઝરી
Ahmedabad Airport Issues Advisory: દિવાળીના તહેવારોમાં ધસારો વધવાની સંભાવનાને પગલે મુસાફરોને ફ્લાઇટના સમય કરતાં વહેલા પહોંચી જવા માટે અમદાવાદ ઍરપૉર્ટ દ્વારા એડવાઇઝરી જારી કરાઈ છે. અમદાવાદ ઍરપૉર્ટની એડવાઇઝરીમાં જણાવાયું છે કે, 'દિવાળીના તહેવારોમાં ઍરપૉર્ટમાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો નોંધાઈ શકે છે. જેના કારણે મુસાફરોને સિક્યુરિટી સહિતની ઔપચારિક્તામાં પૂરતો સમય મળી રહે માટે ઍરપૉર્ટ પર ફ્લાઇટના નિર્ધારીત સમયથી વહેલા પહોંચવા અનુરોધ છે'
આ પણ વાંચો: રેલવે સ્ટેશન પર કોઈને લેવા-મૂકવા જવાના હોવ તો ખાસ ધ્યાન રાખજો! દિવાળીની ભીડના કારણે લેવાયો મોટો નિર્ણય
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ઉપર દરરોજ 250થી 270 જેટલી ફ્લાઇટની અવરજવર રહેતી હોય છે, જેમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દિવાળીના વેકેશન દરમિયાન ફ્લાઇટ મોમેન્ટ અને પેસેન્જરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. અમદાવાદ ઍરપૉર્ટમાં સામાન્ય રીતે દરરોજ સરેરાશ 33,800 મુસાફરોની અવર-જવર નોંધાતી હોય છે. પરંતુ દિવાળીના તહેવારમાં મુસાફરોની અવર-જવરનો આંક 80 હજારથી પણ વધી જાય તેવી સંભાવના છે. ગત વર્ષે નવેમ્બરમાં દિવાળી હતી ત્યારે દૈનિક સરેરાશ 33,486 મુસાફર નોંધાયા હતા.