શાળાઓ બાદ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ થઈ એલર્ટ, મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધર્યું
Bomb Threat Email: અમદાવાદની કેટલીક સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકી અપાયા બાદ હવે એરપોર્ટને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે. આજે (12મી મે) બપોરે અજાણ્યો અજાણ્યા ઈમેલ આઈડી પરથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઈન સ્ટાફને કડક સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં મતદાનના એક દિવસ પહેલા 36થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ કરવામાં આવ્યા હતા.
દિલ્હીની બે હોસ્પિટલ અને IGI એરપોર્ટમાં બોમ્બ હોવાનો ઈમેલ મળતા ખળભળાટ
દિલ્હીની બુરારી સરકારી હોસ્પિટલ (Burari Hospital) અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલ (Sanjay Gandhi Hospital)માં બોમ્બ હોવાનો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ મળ્યા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ બોમ્બ સ્કવોડ અને ફાયર વિભાગની સાથે પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, 'હોસ્પિટલમાં બોમ્બ હોવાની ધમકી અંગે એક ઈમેલ મળ્યો હતો. હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે, જો કે, હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.' આ ઉપરાંત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. પોલીસે એરપોર્ટ પર તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, એક જ ઈમેલ આઈડી પરથી હોસ્પિટલ અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલ બપોરે 3 વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યો હતો. જો કે, પોલીસ તપાસમાં હજુ સુધી એરપોર્ટ પરથી કંઈ મળ્યું નથી.
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીનું પાકિસ્તાન કનેક્શન
અમદાવાદમાં ચૂંટણીના એક દિવસ પહેલા 36થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ કરવામાં આવ્યા હતા. જે સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં ટેકનીકલ સર્વલન્સને આધારે કરવામાં આવેલી તપાસમાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું છે.
પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં આવેલા આર્મી કેન્ટોન્મેન્ટમાંથી બે પાકિસ્તાનીઓ દ્વારા આ ઇ-મેઇલ કરવામાં આવ્યા હોવાનું ક્રાઇમબ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. બંને પાકિસ્તાનીઓના ફેસબુક તેમજ અન્ય સોશિયલ મિડીયા એકાઉન્ટની વિગતો પણ સામે આવી છે. ગત 6મેના રોજ અમદાવાદની 36 જેટલી શાળાઓને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી આપતા ઇ-મેઇલ આવ્યા હતા. જેના પગલે સ્થાનિક પોલીસ સાથે બોમ્બ ડીસ્પોઝલ સ્ક્વોડ ઉપરાંત, વિવિધ સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. જો કે સ્કૂલોમાં તપાસ દરમિયાન કોઇ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી નહોતી.
આ સમગ્ર કેસની તપાસ પોલીસ કમિશનર જી એસ મલિકે અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપી હતી. જેમાં સાયબર ક્રાઇમના અધિકારીઓ સહિતની ટીમ દ્વારા ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાંચના જેસીપી શરદ સિંધલે આ અંગે માહિતી આપતા કહ્યું કે ઇ-મેઇલનું પાકિસ્તાન કનેક્શન પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મંગળવારે (સાતમી મેએ) અમદાવાદમાં મતદાન હોવાથી ભય ફેલાવવાના ઇરાદે આ ઇ-મેઇલ પાકિસ્તાનના ફૈસલાબાદથી આર્મી કેન્ટોન્મેન્ટમાંથી કરાવામાં આવ્યા હતા.
આ માટે રશિયન ડોમેઇન પરથી ઇમેઇલ કરાયા હતા. આ ઇ-મેઇલ કરનાર પાકિસ્તાનના અદનાના તૌફિક લિયાકત અને હમાદ જાવેદ નામના બે આઇએઆઇ એજન્ટ મોટાપાયે ભારત વિરોધી પ્રવૃતિમાં કાર્યરત હતા. આ માટે તે ફેસબુક તેમજ સોશિયલ મિડીયાના અન્ય પ્લેટફોર્મથી ભારતમાં સપર્ક કરીને ઉશ્કેરણી કરવાનું કામ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ક્રાઇમબ્રાંચ સાથેની તપાસમાં અન્ય રાષ્ટ્રીય એજન્સીઓ જોડાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.