Get The App

‘પરમિટ હોવા માત્રથી દારૂ પી વાહન ચલાવવાની મંજૂરી મળી જતી નથી’ અકસ્માત કેસમાં કોર્ટની મહત્ત્વની ટિપ્પણી

Updated: Mar 14th, 2025


Google News
Google News
‘પરમિટ હોવા માત્રથી દારૂ પી વાહન ચલાવવાની મંજૂરી મળી જતી નથી’ અકસ્માત કેસમાં કોર્ટની મહત્ત્વની ટિપ્પણી 1 - image


Ahmedabad Additional Sessions Court : શહેરના મીઠાખળી વિસ્તારમાં દારૂ પીને પ્બેફામ રીતે કાર હંકારી એક એકટીવાચાલક મહિલાનું મોત નીપજાવવાના અને અન્ય છ જણાંને ઇજા પહોંચાડવાના ચકચારભર્યા કેસમાં આરોપી કારચાલક નીલેશ પટેલને જામીન આપવાનો અત્રેના એડિશનલ સેશન્સ જજ હેમાંગકુમાર જી.પંડયાએ ઇન્કાર કરી દીધો હતો. આરોપી તરફથી બચાવ કરાયો હતો કે, તે દારૂ પીવાની પરમીટ ધરાવે છે, જે બચાવને ફગાવતાં કોર્ટે આલોચના કરતાં જણાવ્યું કે, આરોપીને દારૂ પીને વાહન હંકારવાની પરમીટ મળી જતી નથી જે દુનિયાભરમાં પ્રતિબંધિત છે.

આરોપીનો ગુનો ગંભીર, જામીન ન આપી શકાય

ગયા વર્ષે એકલા અમદાવાદમાં જ વાહન અકસ્માતમાં 406 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નીપજયા છે. સીસીટીવી ફુટેજીસમાં પણ આરોપી પૂરપાટઝડપે, બેફામ અને ગફલતભરી રીતે કાર હંકારતો હોવાનું સ્પષ્ટ થાય છે અને તેથી ગુનાની ગંભીરતા જોતાં આરોપીને જામીન આપી શકાય નહી. 

આ પણ વાંચો : રાજકોટના એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રણ ડિલિવરી બોયના મોત

કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી

કોર્ટે આરોપીને જામીન પર મુકત કરાય તો ફરીથી આ પ્રકારના ગુનાનું પુનરાવર્તન કરે તેવી આશંકા વ્યકત કરી તેની જામીન અરજી ફગાવી દીધી હતી. તા.15-2-2025ના રોજ શહેરના મીઠાખળી વિસ્તારમાં એચસીજી હોસ્પટિલની બાજુમાં આરોપી નીલેશ પટેલે દારૂ પીધેલી હાલતમાં પોતાની સ્વીફ્‌ટ કાર હંકારી એકટીવાચાલક  રોનકબહેન પરીખને પાછળથી ટક્કર મારી હતી, જેમાં તેમનું ગંભીર ઇજાઓ થવાના કારણે કરૂણ મોત નીપજયુ હતું. આ બનાવ વખતે આરોપીએ અન્ય વાહનચાલકોને પણ ટક્કર મારી તેઓને ઇજા પહોંચાડી હતી. આ અંગે બી ટ્રાફિક પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. 

આરોપીએ દારુ પી કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો

આ કેસમાં આરોપી નીલેશ પટેલની જામીન અરજીનો વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપીએ દારૂ પીને પોતાની સ્વીફ્‌ટ કાર પૂરપાટઝડપે અને ગફલતભરી રીતે હંકારી એક નિર્દોષ મહિલાનો જીવ લીધો છે. આરોપી બનાવ વખતે દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું છે અને આરોપીની મેડિકલ તપાસમાં પણ આ હકીકત પુરવાર થઇ છે. સૌથી અગત્યનું કે, સીસીટીવી ફુટેજીસ અને સાક્ષીઓના નિવેદનોમાં પણ આરોપીની ગુનાહીત બેદરકારી સ્પષ્ટ થઇ છે અને તે બેફામ રીતે કાર હંકારી રહ્યો હોવાનું ફલિત થયુ છે.  સમાજમાં દાખલો બેસાડવા માટે કોર્ટે આરોપીના જામીન ધરાર ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી નીલેશ જગદીશભાઇ પટેલના જામીન ફગાવી દીધા હતા. 

આ પણ વાંચો : સાળંગપુર-વડતાલમાં ઉજવાયો મોટો રંગોત્સવ, હજારો કિલો કુદરતી રંગોનો કરાયો ઉપયોગ

Tags :
Car-Activa-AccidentAhmedabad-Additional-Sessions-CourtMithakali

Google News
Google News