સફાઇ કામદારોના બોનસમાં તોડ કરતા મુખ્ય સફાઇ કામદારને ઝડપી લેવાયો
એસીબીએ કોર્પોરેશનની દાણીપીઠ ઓફિસમાં ટ્રેપ ગોઠવી
આરોપી અધિકારીઓ માટે મિઠાઇના નામે કામદારોને મળતા બોનસમાંથી ૧૬૦૦ રૂપિયા ઉઘરાવતો હતો
અમદાવાદ,શનિવાર
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુખ્ય સફાઇ કામદાર તરીકે કામ કરતા વ્યક્તિને સફાઇ કામદારોને મળતા દિવાળીના બોનસમાંથી રૂપિયા ૧૬૦૦નો તોડ કરતા ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. મુખ્ય સફાઇ કામદાર તરીકે નોકરી કરતો ભરત કટકીયા તેના સુપરવિઝન નીચે આવતા કામદોરાને અધિકારીઓની મિઠાઇ લેવાના નામે બોનસમાંથી નાણાં ઉઘરાવતો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા કાયમી સફાઇ કામદારોને મળતા દિવાળી બોનસમાંથી તેમના સુપરવાઇઝર એટલે મુખ્ય સફાઇ કામદાર તરીકે કામ કરતો ભરત કટકીયા નાણાં ઉઘરાવતો હોવાની ફરિયાદ અમદાવાદ એસીબીના અધિકારીઓને મળી હતી.
જેમાં તેણે એક સફાઇ કામદારને ખાડિયા વોર્ડની હેલ્થ વિભાગની ઓફિસમાં મળીને કહ્યું હતું કે મારે તમામ સફાઇ કામદાર પાસેથી બોનસમાં જમા થતા નાણાંમાંથી કામદાર દીઠ રૂપિયા ૧૬૦૦ લેવાના છે. જે અધિકારીઓની મિઠાઇ માટેના છે. જેથી બોનસ ખાતામાં જમા થાય ત્યારે નાણાં આપવા પડશે તેમ કહ્યું હતું. આ માહિતીને આધારે શનિવારે એએમસીની દાણાપીઠ ઓફિસ ખાતે એસીબીએ ટ્ેપ ગોઠવી હતી. જેમાં ભરત કટકીયા ૧૬૦૦ રૂપિયાની લાંચ લેતો ઝડપાઇ ગયો હતો. તેણે અમદાવાદના અનેક વોર્ડમાં સફાઇ કામદારો પાસેથી બોનસમાંથી નાણાંનો તોડ કર્યાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે અસીબીએ તપાસ શરૂ કરી છે.