અમદાવાદમાં 1147 મસ્જિદ અને દરગાહ, 85% વક્ફ સંપત્તિઓમાં કોઇ મેનેજમેન્ટ જ નથી!
Ahmedabad Waqf Properties Management: કેન્દ્ર સરકાર દ્વારા વક્ફની સંપત્તિ મુદ્દે નવો સુધારા કાયદો લાવવામાં આવ્યો તેનો વિવાદ ચગેલો છે અને બીજી તરફ ગુજરાતમાં વક્ફની સંપત્તિઓ યોગ્ય વહિવટ અને વ્યવસ્થાના અભાવે ખસ્તાહાલ છે. તેમાંય અમદાવાદની સ્થિતિ સાવ કફોડી છે. તાજેતરમાં આવેલા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં કુલ 1147 મસ્જિદ અને દરગાહ છે, તેમાંથી 85% સંપત્તિઓમાં યોગ્ય મેનેજમેન્ટ જ નથી અને તેના કારણે વક્ફની સંપત્તિઓ પર જે આવક થાય છે પણ તે વક્ફમાં નહીં પણ વગદારોના ખિસ્સામાં જાય છે.
ગુજરાતમાં 30% સંપત્તિ એકલા ગુજરાતમાં જ છે
સરકારી બાબુઓ, સમાજના કહેવાતા ઠેકેદારોના મેળાપીપણામાં આ બધું ગોઠવાયેલું તંત્ર ચાલે છે અને સામાન્ય લોકોની તેના તરફ નજર જતી નથી અને કોઈ પુછનાર કે કહેનાર પણ નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આવેલી કુલ 45,358 વક્ફ સંપત્તિમાંથી લગભગ 30 ટકા એટલે કે 13,537 વક્ફ સંપત્તિ એકલા અમદાવાદ શહેરમાં જ છે. રસપ્રદ વાત એ છે કે, આ પૈકી 11,499 એટલે કે લગભગ 85 ટકા વક્ફ સંપત્તિઓના વહીવટ માટે કોઈ વ્યવસ્થા જ નથી તેથી આ સંપત્તિઓમાંથી કોઈ આવક થતી નથી કે લોકોના ભલા માટે વપરાતી નથી.
ગુજરાતમાં વક્ફ સંપત્તિઓ પર નજર રાખવા માટે સ્ટેટ વક્ફ બોર્ડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં 705 મસ્જિદો અને 429 દરગાહ, મઝાર કે મકબરા છે જ્યારે અમદાવાદ કેન્ટોન્ટમેન્ટ વિસ્તારમાં 9 મસ્જિદો અને 4 દરગાહ, મઝાર કે મકબરા છે.
આમ અમદાવાદ શહેરમાં કુલ 714 મસ્જિદો અને 433 દરગાહ, મઝાર કે મકબરા છે. આ પૈકી મોટા ભાગની સંપત્તિઓ પર અસામાજિક તત્ત્વો અથવા મુસ્લિમ સમાજના કહેવાતા વગદાર લોકોનો કબજો છે. આ લોકો બારોબાર ભાડાની કે બીજી આવક ચાઉં કરી જાય છે અને વક્ફ બોર્ડમાં જમા કરાવતા જ નથી. ગુજરાતમાં વક્ફ સંપત્તિઓ પર નજર રાખવા માટે સ્ટેટ વક્ફ બોર્ડ છે પણ વક્ફ બોર્ડ કશું કરતું નથી.
કોર્પોરેશનની હદમાં આવતી 11,499 સંપત્તિમાં દેખરેખનો અભાવ
ભારત સરકારના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા સંચાલિત વક્ફ એસેટ્સ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયા (WAMSI) વેબસાઈટના ડેટા પ્રમાણે, ગુજરાતમાં કુલ 45,358 વક્ફ સંપત્તિ છે. આ પૈકી 39,940 અચલ સંપત્તિ એટલે કે ઈમ્મૂવેવલ પ્રોપર્ટી છે જ્યારે 5480 ચલ એટલે કે મૂવેબલ સંપત્તિ છે.
અમદાવાદ કેન્ટોન્ટમેન્ટ વિસ્તારમાં 135 અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના વિસ્તારમાં 13,574 મળીને કુલ 13,704 વક્ફ સંપત્તિઓ છે. અમદાવાદ કેન્ટોન્ટમેન્ટ એટલે કે કોટ વિસ્તારમાં દરિયાપુર, શાહીબાગ, રાયપુર દરવાજા સહિતના મૂળ અમદાવાદના કોટ વિસ્તારની વક્ફ સંપત્તિઓનો સમાવેશ થાય છે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં એ સિવાયના બાકીના વિસ્તારોની વક્ફ સંપત્તિઓનો સમાવેશ થાય છે.
અમદાવાદ કેન્ટોન્ટમેન્ટ વિસ્તારની 135 સંપત્તિઓમાંથી 97 સંપત્તિમાં મેનેજમેન્ટ કમિટી અને 11 સંપત્તિમાં મુત્તાવલી નિમાયેલા છે. માત્ર 27 સંપત્તિમાં જ કોઈ મેનેજમેન્ટ નથી જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 13,574 વક્ફ સંપત્તિઓમાંથી 97 સંપત્તિમાં મુતાવલ્લી, 7 સંપત્તિમાં એડમિનિસ્ટ્રેટર અને 1971 સંપત્તિમાં મેનેજમેન્ટ કમિટી છે. બાકીની 11,499 સંપત્તિમાં સત્તાવાર રીતે કોઈ મેનેજમેન્ટ નથી.