દાહોદના કથિત જમીન કૌભાંડમાં હાઇકોર્ટનો આક્રમક મિજાજ, 'જો ખોટું કર્યું હશે કલેકટર-એસડીએમ અને મામલતદાર ઘર ભેગા થશે'

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
Gujarat High court


Allaged Land Scam In Dahod: દાહોદ જિલ્લામાં ખેડૂત નહી હોવા છતાં એનએ થયેલી જમીન ખરીદવાના વિવાદમાં સ્થાનિક મામલતદાર દ્વારા અપાયેલી નોટિસોને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે કેસની સુનાવણી દરમ્યાન રાજય સરકારને આડા હાથે લીધી હતી. હાઇકોર્ટે ખુદ સરકારી તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે, સામાન્ય માણસે તમારી સરકારી વેબસાઇટ કે રેકોર્ડ જોઇને જમીન એનએ હોવાથી જમીન ખરીદી છે પરંતુ તમારા સરકારી અધિકારીઓ સામે શું કાર્યવાહી કરી તે બતાવો. 

સોગંદનામાં સાથે ખુલાસો કરવા સરકારને નિર્દેશ

હાઇકોર્ટે એક તબક્કે એટલે સુધી માર્મિક ટકોર કરી હતી કે, જો સમગ્ર પ્રકરણમાં કંઇક ખોટુ થયુ હશે તો તમારા કલેકટર, એસડીએમ અને મામલતદાર ઘેર જશે. હાઇકોર્ટનો આક્રમક મિજાજ જોઇ સરકાર ફફડી ઉઠી હતી. સરકારપક્ષ તરફથી આ મામલામાં યોગ્ય કાર્યવાહી કરવાની કોર્ટને હૈયાધારણ આપી અદાલતનો મિજાજ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, હાઇકોર્ટે સરકારને સ્પષ્ટ શબ્દોમાં સુણાવ્યું કે, તમે તમારા અધિકારીઓ સામે શું પગલાં લો છો તે બતાવો અને આ સમગ્ર મામલે ખુલાસા સાથેનું સોંગદનામું રજૂ કરો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.15મી જૂલાઇએ રાખી હતી. 

સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે AMC ને ફરી ફટકાર, આશ્વાસન નહીં નક્કર કામગીરી કરી દેખાડો : હાઇકોર્ટ

એનએ થયેલી જમીનો ખેતીની જમીન હોવાનો દાવો

દાહોદ જિલ્લામાં એનએ થયેલી જમીનો ખરીદવાના વિવાદમાં હાઇકોર્ટ સમક્ષ દાખલ થયેલા કેસમાં અરજદારપક્ષ તરફથી કોર્ટના ધ્યાન પર કેટલીક હકીકતો મૂકાઇ હતી કે, અરજદારોએ ખુદ સરકારની જ સીટી સર્વેની વેબસાઇટ પર મૂકાયેલી વિગતો અને સીટી સર્વેના પ્રોપર્ટી કાર્ડ ચકાસ્યા બાદ જ સંબંધિત જમીનો એનએ થયેલી હોવાથી ખરીદી હતી. હવે સ્થાનિક મામલતદાર અમને નોટિસ આપીને એમ કહે છે કે, તમે ખેડૂત નથી અને તેમ છતાં તમે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ-1948 મુજબની જરૂરી પરવાનગીઓ મેળવ્યા સિવાય ખેતીની જમીન તબદિલ કરી જમીન ધરાવો છો. એટલું જ નહી, મામલતદારે અરજદારોને મામલતદાર, કલેકટર કે ટ્રિબ્યુનલ સમક્ષની કાર્યવાહીમાં વકીલ રોકવા માટે પણ મનાઇ ફરમાવી હતી અને એટલે સુધી ઉલ્લેખ કર્યો હતો કે, કોઇ અભણ, અશક્ત અને અંધ હોય તેવા લોકોને જ વકીલ રોકવાની મંજૂરી છે. 

આમ, મામલતદારની નોટિસ બિલકુલ વાહિયાત, અયોગ્ય અને અસ્થાનીય છે. અરજદારો જેવા અન્ય કેટલાય લોકો છે કે જેમણે આ પ્રકારે એનએ થયેલી જમીનોના પ્લોટો ખરીદેલા છે અને હવે 9-10 વર્ષો બાદ સરકારી તંત્ર અચાનક એમ કહે કે, તમે આ અંગેના દસ્તાવેજો અને પુરાવા રજૂ કરો તો અરજદારો શું કરે..?? અમે તો પહેલેથી જ બિનખેતીની જમીન ખરીદેલી છે અને અમે જેન્યુઇન ખરીદદારો છે.   

હાઇકોર્ટે મામલતદારની આ નોટિસ મુદ્દે અગાઉની સુનાવણીમાં જોરદાર ઝાટકણી કાઢી હતી અને જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે સરકારપક્ષને વેધક સવાલો કર્યા હતા કે, અરજદારો સામે કાર્યવાહી કરતાં પહેલાં તમે તમારા અધિકારીઓ વિરૂદ્ધ શું કાર્યવાહી કરી...? તમારી કચેરીમાંથી ફ્રોડ થયુ છે. કથિત ફોર્જરી બદલ તમારે તમારા અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની થાય તો તમે શુ કર્યો..? જો સરકારી કચેરીમાં કંઇ ખોટુ થયુ હોય તો ફરિયાદ થઇ છે કે નહી..? રેવન્યુ રેકોર્ડ-સીટી સર્વે એન્ટ્રીમાં આ જમીન એનએ હોવાનું સ્પષ્ટ છે તો અરજદારોએ તો તે જોઇને જ જમીન ખરીદી છે..ને..?હાઇકોર્ટે રાજય સરકારને આ સમગ્ર મામલે તમે તમારા અધિકારીઓ સામે શું કાર્યવાહી કરશો તે સહિતના મુદ્દે ખુલાસા સાથેનું સોંગદનામું રજૂ કરવા હુકમ કરી કેસની વધુ સુનાવણી તા.15 જૂલાઇએ રાખી હતી.

  દાહોદના કથિત જમીન કૌભાંડમાં હાઇકોર્ટનો આક્રમક મિજાજ, 'જો ખોટું કર્યું હશે કલેકટર-એસડીએમ અને મામલતદાર ઘર ભેગા થશે' 2 - image


Google NewsGoogle News