નકલી સ્કૂલ બાદ હવે નકલી હોસ્પિટલ ઝડપાઇ, આરોગ્ય વિભાગે બાવળામાં પાડ્યા દરોડા

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
Doctor.jpg


Fake Hospital Caught in Bavala : રાજ્યમાં અવાર-નવાર નકલી ઘી, દૂધ અને બનાવટી વસ્તુઓ ઝડપાઇ છે તેમાં કોઇ નવાઇ નથી. પરંતુ હવે તો રાજ્યમાંથી નકલી સ્કૂલ, , નકલી ટોલનાકું, નકલી અધિકારીઓ, નકલી સરકારી કચેરી ઝડપાતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. તાજેતરમાં રાજકોટના પીપળીયા ગામમાં આખેઆખી નકલી સ્કૂલ ચાલતી હોવાનું સામે આવ્યું તે અંગે તપાસ ચાલી રહી છે. ત્યાં હવે બાવળમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઇ હોવાનું સામે આવ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી નામે નકલી હોસ્પિટલ અને બોગસ ડોક્ટર મળી આવ્યો હતો. મનીષ અમરેલીયાના સર્ટિફિકેટના આધારે આ હોસ્પિટલ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન મેહુલ ચાવડા નામનો વ્યક્તિ આ બોગસ હોસ્પિટલ ચલાવતો હતો. જોકે એક બાળકીના મોતનો વિડીયો વાયરલ થતાં આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. 

વાયરલ વીડિયોના આધારે આરોગ્ય ટીમના દરોડા

થોડા સમય પહેલાં વાયરલ થયેલો એક વિડીયો અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને મળ્યો હતો. જેમાં મૃતક છોકરીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તમની બિમારી દિકરીને બાવળાની અનન્યા મલ્ટી સ્પિશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દિકરીને જ્યારે સવારે હોસ્પિટલ લઇને આવ્યા હતા ત્યારે સારી હતી, પરંતુ સારવાર દરમિયાન રાત્રે તેનું મૃત્યું નિપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા સારવાર માટે 1.50 લાખ રૂપિયા ફીની માંગણી કરી જોકે પરિવાર આટલી મસમોટી ફી ભરવામાં સક્ષમ ન હોવાથી ડોક્ટરે તેમને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ લઇ જવાનું કહ્યું હતું, પરંતુ રાત્રે જ છોકરીનું મોત નિપજ્યું હતું. 

નકલી પોલીસ પણ ઝડપાઇ 

અમદાવાદના ઓગણજ રીંગ રોડ પર એક કાર ચાલકને ધમકાવીને તોડ કરી રહેલા બે નકલી પોલીસને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલા આરોપીઓએ પોલીસ બનીને અનેક લોકો પાસેથી તોડ કર્યો હતો. આ અંગે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા બંને લોકોએ અનેક લોકોને પોલીસની ઓળખ આપીને તોડ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સાથેસાથે ખોખરા, રખિયાલ, અમરાઈવાડી અને સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા. આ અંગે સોલા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News