અમદાવાદમાં ગુંડાઓના આતંક બાદ પોલીસ એક્શનમાં, રખિયાલમાં મોટાપાયે નાઈટ કોમ્બિંગ
Ahmedabad Police Night Combing : અમદાવાદના રખિયાલ અને બાપુનગરમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર વડે ખૌફ બતાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં પોલીસની હાજરી હોવા છતા લુખ્ખા તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે હવે અમદાવાદ પોલીસે રખિયાલ, ગરીબનગર સહિતના વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું છે.
રખિયાલ સહિતના વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ
અમદાવાદમાં ગુંડાઓના આતંકવાદ વચ્ચે શહેર પોલીસ એક્શનમાં આવી છે. જેમાં રખિયાલ, ગરીબનગર સહિતના વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ કરીને સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન એસીપી, ડીસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓ તેમાં જોડાયા. પોલીસ દ્વારા કરવામાં આવેલા નાઈટ કોમ્બિંગમાં શંકાસ્પદ જણાતા વાહનો અને સ્થળો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: VIDEO: પોલીસ સાથે દાદાગીરી કરનારા 'લુખ્ખાઓ'ની ધરપકડ, તલવારો સાથે મચાવ્યો હતો આતંક
શું હતી સમગ્ર ઘટના?
રખિયાલમાં પોલીસની હાજરીમાં લુખ્ખા તત્ત્વોની દાદાગીરીનો વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, એક શખસ પોતાના હાથમાં તલવાર રાખીને રોડ પર ખૌફ દેખાડી રહ્યો હતો. જેની સાથે અન્ય એક શખસ પણ હથિયાર સાથે જોવા મળી રહ્યો હતો. અસામાજિક તત્ત્વો પોલીસને ધમકાવીને કહ્યું હતું કે, 'બહોત મારુંગા સાહેબ' તેમ છતાં પોલીસ ચૂપચાપ બધુ જોતી રહી હતી. તેમજ આરોપીએ પોલીસને પોતાની જ વાનમાં બેસાડીને દરવાજો બંધ કરીને ઘટના સ્થળ છોડવા કહ્યું હતું. જ્યારે સમગ્ર મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ચાર આરોપીઓને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીએ શોધખોળ હાથ ધરી. પીસીઆર વાનના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા.