હાટકેશ્વરના કોન્ટ્રાક્ટરને 26 કરોડનો શિરપાવ, બ્રિજ 6 મહિનામાં જ તોડી નવો બનાવવાની ગુલબાંગો પોકળ નીવડી
બ્રિજ તોડી તેનો ખર્ચ લોખંડના ભંગારમાંથી કાઢવો અને નવા બ્રિજની વાતને વિસારે પાડી દેવી
પલ્લવ બ્રિજની કામગીરી પણ વિલંબમાં પડતા નાગરિકો પારાવાર પરેશાન
Hatkeshwar Bridge : અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના લગભગ તમામ વિભાગોમાં ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. એમાં પણ રોડ્ઝ એન્ડ બ્રિજના તગડાં ટેન્ડરોમાં ગાંધી-વૈદ્યનું સહિયારાના નાતે એન્જિનિયરો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતમાં પ્રજાના ટેક્સના નાણાંનો ધૂમ દુરૂપયોગ થાય છે અને કામની ગુણવત્તા મટિરિયલ્સની ચોરીના કારણે અત્યંત નિમ્ન કક્ષાની હોય છે. 44 કરોડના ખર્ચે બંધાયેલો હાટકેશ્વર બ્રિજ જે 50 કરતાં વધુ વર્ષો સુધી ચાલવાનો હતો તેને ચાર જ વર્ષમાં તોડવાનો વારો આવ્યો જેના કારણે મ્યુનિ.ના અને સરકારના રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ ખાતાના વહિવટને નામોશીનો કાળો ડાઘ લાગ્યો હતો. આમ છતાં આ બ્રિજના કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાસ્ટ્રકચર પર આર્થિક લાભોની વર્ષા ચાલુ જ છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા બંધાઈ રહેલાં પલ્લવ બ્રિજમાં 26 કરોડનો ભાવવધારો ચુકવવાનો હિંમતભર્યો નિર્ણય લઈ મ્યુનિ.એ 'ભ્રષ્ટ્રાચારના મુદ્દે ઝીરો ટોલરન્સ'ની ગુલબાંગોને ખુલ્લી પાડી દીધી છે.
છ જ મહિનામાં હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે : મ્યુનિ.
બીજી તરફ હાટકેશ્વર બ્રિજમાં મોરબીની દુઘર્ટનાનું પુનરાવર્તન થશે તે મુદ્દે ભારે ઉહાપોહ થતાં લોકરોષને ઠંડો પાડવા મ્યુનિ.એ એવી જાહેરાત કરી હતી કે છ જ મહિનામાં હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે અને ત્યાં નવા બ્રિજનું નિર્માણ કરાશે, જેના નાણાં કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાસ્ટ્રકચર પાસેથી વસુલ કરવામાં આવશે. આ જાહેરાતને સવા વર્ષ થવા આવ્યું છતાં હજુ સુધી તો બ્રિજને તોડવા માટેનું ટેન્ડર પણ મંજુર થયું નથી. ત્રણ-ત્રણ વખત ટેન્ડર ફેઈલ ગયું છે. બીજી તરફ કોન્ટ્રાક્ટરની ખૂલ્લી તરફદારી કરતો એક વિચાર એવો પણ વહેતો થયો છે કે બ્રિજ પાડવાનો ખર્ચ તેમાંથી નિકળનારા લોખંડના ભંગારમાંથી ઘણોખરો વસુલ થઈ જશે, જેથી કોન્ટ્રાક્ટરને નાણાંકિય માર ના પડે અને ફરી નવો બ્રિજ બનાવવાની વાતને લાંબા સમય સુધી વિસારે પાડી દેવાની. જે કોન્ટ્રાક્ટરોને છેક ઉપર સુધીના આશીર્વાદ હોય તેનો વાળ પણ વાંકો ના થાય, તેવી ચર્ચા મ્યુનિ. વર્તુળમાં શરૂ થઈ ગઈ છે. હાલ તો હાટકેશ્વર બ્રિજના સાંકડા સર્વીસરોડમાં રોજરોજ થતો ટ્રાફિક જામ વચ્ચે બન્ને તરફના દુકાનદારો ગળે આવી ગયા છે. તેમનો ધંધો 30 ટકાનો થઈ ગયો છે એટલું જ નહીં ધૂળ, ધૂમાડાં અને અવાજના પ્રદૂષણને રોજેરોજ સહન કરવું પડે છે. એમાં પણ ચોમાસામાં પાણી ભરાય ત્યારે તો સ્થિતિ બહું જ કફોડી થઈ જતી હતી.
રોજના 1.25 લાખ વાહનો પસાર થાય છે
હાટકેશ્વર જેવી જ સ્થિતિ પલ્લવ બ્રિજનું કામ સાત મહિના બંધ રહેતા નારણપુરા-શાસ્ત્રીનગરમાં થઈ હતી. પલ્લવ બ્રિજ બની રહ્યો છે ત્યાં એક સર્વે મુજબ રોજના 1.25 લાખ વાહનો પસાર થાય છે, જ્યાં સતત અટવાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હતા. ત્યાંનાં વેપારીઓની પણ આવી જ સ્થિતિ રહી છે.
2.37 કરોડની પેનલ્ટીની દરખાસ્ત
અત્રે ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાકટરો ટેન્ડર મંજુર થાય ત્યારથી છેલ્લા બિલો ચૂકવાય ત્યાં સુધી કમિશનના હપ્તા આપતા હોવાથી કામની ગુણવત્તા જ કોઈને યાદ આવતી નથી. હાટકેશ્વર બ્રિજ જેમાં M-207 વપરાયું તે અંગે સુપરવિઝન કરતી કંપની અને મ્યુનિ.ના એન્જિનિયરોએ સતત આંખ આડા કાન કર્યા હતાં. ઉપરાંત હાટકેશ્વર બ્રિજ બનીને તૈયાર થયો તે પહેલાં નાણાં ચૂકવાઈ ગયા હતા, દંડ વસુલાયો ન હતો, કેટલાંક બિલોમાં તારીખો નહોતી સહીતની અનિયમિતતાઓ ઓડિટ રિપોર્ટમાં પકડાઈ હતી. સમયસર બ્રિજનું કામ પૂર્ણ નહીં કરવા સબબ રૂ.2.37 કરોડની પેનલ્ટીની દરખાસ્ત હતી, જેમાં ઘટાડો કરી દંડની રકમ માત્ર રૂ.23.69 લાખ કરી નખાઈ હતી. ઉપરવાળા મહેરબાન તો કોન્ટ્રાક્ટર પહેલવાન જેવી નવી કહેવત મ્યુનિ.માં વહેતી થઈ છે. મ્યુનિ.ના કોન્ટ્રાક્ટરો કમાઈ લે એટલે નાણાંના જારે તેના સંબંધો સરકારના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ સાથે પણ પ્રગાઢ બની જાય છે. પછી જ્યારે તેમના પર આફત આવે ત્યારે તે જ ઉપરવાળા તેને બચાવવા દોડે છે. અજય ઇન્ફ્રા.નું પણ કંઈક આવું જ છે.