મેઘરાજાની વિદાય થતાં જ અમદાવાદ સહિત 8 શહેરમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન, હજુ 3 ડિગ્રી વધવાની સંભાવના
Weather News: ચોમાસાની વિદાય સાથે જ ગુજરાતભરમાં ગરમીનો પારો પણ વધવા લાગ્યો છે. સોમવારે (7 ઑક્ટોબર) અમદાવાદ સહિત ગુજરાતના 8 શહેરમાં 36 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં સોમવારે 37.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. છેલ્લા ચાર દિવસમાં જ અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થયો છે. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 37 ડિગ્રીની આસપાસ જ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર આગામી 20 ઑક્ટોબર સુધી અમદાવાદનું તાપમાન 35 થી 37 ડિગ્રી વચ્ચે રહેશે.
આ પણ વાંચોઃ જાફરાબાદથી રાજુલાના ખખડધજ રોડ ઉપર મસમોટા ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ
સોમવારે ગાંધીનગરમાં 34.4, જામનગરમાં 35, અમરેલીમાં 35.5, ભાવનગરમાં 35.7, વડોદરામાં 35.8, છોટા ઉદેપુરમાં 36.3, રાજકોટમાં 36.8, ડાંગમાં 37.5, ભુજમાં 37.6, સુરતમાં 37.2, ડીસામાં 37.8, નલિયામાં 38.2 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.