Get The App

શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગની ઘટના બાદ તપાસ સુધી શાળા બંધનો આદેશ, ઓનલાઇન ભણાવાશે

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
Shanti Asiatic School


Strick Decision : અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગુરૂવારે લાગેલી આગની ઘટનાને લઇને આજે વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વાલીઓની ફરિયાદ બાદ આગની ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાંતિ એશિયાટિક સ્કૂલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીના ભાવિને ધ્યાનમાં રાખતાં શાળા બંધ રહેશે તે દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવશે. 

શાંતિ એશિયાટિક સ્કૂલમાં બુધવારે એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સર્જાઇ હતી, ત્યારબાદ શાળા સંચાલકો દ્વારા સમગ્ર મામલા પર પડદો પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. મોકડ્રીલનું આયોજન કરવામાં આવી કહીને ઘટનાને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ વાલીઓને જાણ થતાં આજે (શુક્રવારે) વાલીઓ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ તંત્ર સફાળું જાગી ગયું હતું અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાળાને બંધ કરવાનો આદેશ આપ્યો છે. 

અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં એસીમાં બ્લાસ્ટ, મોકડ્રીલમાં ખપાવતા વાલીઓએ હોબાળો કર્યો ને ભાંડો ફૂટ્યો

તપાસ સુધી શાળા બંધ, ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે

અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તબક્કે શાળાની બેદકારી છે. હાલમાં બાળકો માટે શાળાનું બિલ્ડીંગ સલામત છે કે કેમ તે સુનિશ્વિત થયા બાદ જ શાળાને ખોલવાની પરવાનગી આપવામાં આવશે. આજે જ તમામ તપાસની પ્રક્રિયા થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવશે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બાળકોના શિક્ષણ સાથે કોઇ ચેડા કે સમધાન કારી વલણ ચલાવી લેવામાં આવશે નહી, શાળા બંધ રહેશે તે દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન પુરૂ પાડવામાં આવે તે અંગે લેખિત બાંહેધરી લેવામાં આવશે. 

શું હતી સમગ્ર ઘટના? 

શરૂઆતમાં શાળા સંચાલકો અને મેનેજમેન્ટ આગ લાગી હોવાની વાતને સ્વિકારવા માટે તૈયાર જ નહી. સ્કૂલ સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાને એક મોકડ્રીલમાં ખપાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પહેલાં સીસીટીવી બતાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સ્ટાફ ઓછો હોવાનું અને સીસીટીવી એક્સસ ન હોવાનું કહીને આનાકાની કરવામાં આવી રહી હતી, પરંતુ વાલીઓ દ્વારા ઉગ્ર હોબાળો કરવામાં આવતાં સંચાલકો દ્વારા 5 વ્યક્તિઓને સીસીટીવી બતાવવા માટે સહમતિ દર્શાવી હતી. જોકે વાલીઓની માંગ હતી કે જો મોકડ્રીલ હતી તો સીસીટીવીને સ્કૂલના મેદાનમાં પ્રોજેક્ટર લગાવીને જાહેરમાં બતાવવામાં આવે. આખરે સંચાલકો વાલીઓની માંગ સામે ઝૂક્યા હતા અને સીસીટીવી જાહેરમાં બતાવ્યા હતા. 



Google NewsGoogle News