વાતાવરણમાં પલટા પછી કમોસમી વરસાદે કાંકરિયા કાર્નિવલના રંગમાં ભંગ પાડયો
શહેરના મણીનગર,ઈસનપુર સહીતના વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો
અમદાવાદ,ગુરુવાર,26 ડિસેમ્બર,2024
મધ્યપ્રદેશ ઉપર સર્જાયેલી સાઈકલોનિક સિસ્ટમ તથા વેસ્ટર્ન
ડિસ્ટર્બન્સના કારણે ગુરુવારે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો.વાતાવરણમાં
પલટાની સાથે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયા પછી સાંજના સમયે કમોસમી વરસાદ વરસતા
કાંકરિયા ખાતે કાર્નિવલમાં પહોંચેલા લોકોના રંગમાં ભંગ પડયો હતો.શહેરના મણીનગર,ઈસનપુર સહિતના
અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો.
ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર સર્જાયેલી સાઈકલોનિક સિસ્ટમ
તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવા અંગે
આગાહી કરવામાં આવેલી છે.દરમિયાન ગુરુવારે સવારથી વાદળછાયુ અને ધુમમ્સ આચ્છાદિત
વાતાવરણ રહેવાથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વિઝિબીલીટી ઘટી જતા વાહનચાલકોને
ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.મોડી સાંજે વરસી પડેલા વરસાદને પગલે
કાર્નિવલમાં આયોજીત કાર્યક્રમ થોડા સમય માટે સ્થગિત કરવા પડયા હતા.વરસાદના કારણે
લોકો કાર્યક્રમના સ્થળેથી રવાના થવા લાગ્યા હતા.ઉત્તરઝોનમાં આવેલા સરસપુર સહિત
અન્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસી પડયો હતો.