6 વર્ષ સુધી વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપ્યા બાદ આખરે એકમ કસોટી બંધ કરવાનો નિર્ણય
Gujarat Unit Test System End: ગુજરાત સરકારે છ વર્ષ સુધી પ્રાથમિક અને માધ્યમિક સરકારી શાળાઓમાં એકમ કસોટીના નામે વિદ્યાર્થીઓને માનસિક તણાવમાં મૂક્યા પછી શિર્ષાસન કરીને એકમ કસોટીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષના જૂનથી શરૂ થતા 2025-26 ના શૈક્ષણિક સત્રથી એકમ કસોટી બંધ કરી દેવાશે. અલબત્ત ગુજરાત સરકાર તેના સ્થાને નવી કોઈ વ્યવસ્થા લાવવા વિચારી રહી છે એ જોતાં એવું લાગે છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સ્ટ્રેસ બિલકુલ દૂર નહીં થાય.
એકમ કસોટીના કારણે શિક્ષકો પર કામનો બોજ વધારે
એકમ કસોટી હેઠળ રાજ્યની 40,000 થી વધુ પ્રાથમિક અને માધ્યમિક સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં સાપ્તાહિક, પખવાડિક અને માસિક એકમ કસોટી લેવાતી હતી. તેના કારણે શિક્ષકો પર કામનો બોજ વધતો હતો અને વિદ્યાર્થીઓ પર સતત પરીક્ષાનો તણાવ રહેતો હતો તેથી ઉગ્ર વિરોધ થયો હતો.
એકમ કસોટી બંધ કરી દીધા બાદ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સોંપાશે નવી કામગીરી
ધોરણ 1 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે લેવાતી આ એકમ કસોટી બે સ્તરે લેવાતી હતી. ધોરણ 1 થી ધોરણ 8 ના વિદ્યાર્થીઓની એકમ કસોટી ગુજરાત શિક્ષણ સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) લેતી હતી.
જ્યારે ધોરણ 9 થી ધોરણ 12 માટેની એકમ કસોટી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GHSHEB) દ્વારા લેવાતી હતી. એકમ કસોટી બંધ કરી દેવાશે પછી ગાંધીનગરમાં બનાવાયેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK)ને નવી કામગીરી સોંપાશે.
ખાનગી કંપનીના લાભાર્થે એકમ કસોટીનું તૂત ચલાવાયું
ગુજરાતમાં 2019 થી શરૂ કરાયેલી એકમ કસોટીનું તૂત ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે ચલાવાયું હોવાનું અધિકારીઓ સ્વીકારે છે. તેમનું કહેવું છે કે, એકમ કસોટીનાં પરિણામ ખાનગી કંપનીએ વિકસાવેલી એપ પર અપલોડ કરવાથી વિદ્યાર્થીઓને કોઈ ફાયદો નહોતો. આ ડેટાનો બીજો કોઈ ઉપયોગ પણ કરાયો નથી અને કરી શકાય તેમ પણ નહોતો એ જોતાં 6 વર્ષ સુધી સરકારનાં નાણાંનો વ્યય કરાયો છે.
ગુજરાત સરકારે ડેટાના વિશ્લેષણ માટે બનાવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પણ એવો કોઈ મોટો ફાયદો થયો નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનાં બહુ વખાણ કર્યાં 2021 માં જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રધાન મંત્રી એવોર્ડ મળ્યો પણ તેની ઉપયોગિતા બીજી કોઈ નથી.
આ પણ વાંચો: મુખ્યમંત્રીના મદદનીશ બાદ વધુ એક વિકેટ પડી, CMOમાંથી ઉપસચિવની બદલી કરાઈ
શિક્ષકોના ત્રણ દિવસ એકમ ટેસ્ટમાં જ જતા
ગુજરાત સરકારના એકમ કસોટીના નિર્ણયે શિક્ષકોની હાલત સૌથી ખરાબ કરી નાંખી હતી. શિક્ષકો એકમ કસોટીના કામમાંથી નવરા જ નહોતા પડતા અને રવિવાર કે જાહેર રજાના દિવસે પણ કામ કરવું પડતું.
અઠવાડિયાના ત્રણ દિવસ તો શિક્ષકો પરીક્ષાની પળોજણમાં જ અટવાયેલા રહેતા હતા. વીકલી ટેસ્ટમાં આખો દિવસ જતો અને શિક્ષકોએ દરેક વીકલી ટેસ્ટનાં પેપર તપાસ્યા પછી તેનાં પરિણામ એક એપ પર અપલોડ કરવાં પડતાં હતાં. આ અપલોડ કરવામાં જ બે દિવસ નિકળી જતા હતા.
એક ખાનગી કંપનીએ બનાવેલી આ એપ પર અપલોડ કરાયેલાં ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રને મોકલવામાં આવતાં. રસપ્રદ વાત એ છે કે, આ એકમ કસોટીની વિદ્યાર્થીના વાર્ષિક પરિણામ પર કોઈ અસર નહોતી થતી. વીએસકેને અપાતા ડેટાનું શું કરાતું હતું તેની શિક્ષણ વિભાગને જ ખબર નથી.