વિવિધ ચીજોમાં ભેળસેળ નકલીના કારોબાર છતાં માત્ર ૩૯ ફુડ સેમ્પલ જ અનસેફ થયાં
મ્યુનિ.ફુડ વિભાગ ફરિયાદ મળ્યા પછી જાગી કાર્યવાહી કરવા દોડી જાય છે
અમદાવાદ,મંગળવાર,18 માર્ચ,2025
વિવિધ ખાદ્યચીજોમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે.
ખાણી-પીણીની મોટાભાગની ચીજોમાં નકલીનો કારોબાર વ્યાપક પ્રમાણમાં ચાલી રહયો છે. આમ
છતાં અમદાવાદ મ્યુનિ.ના ફુડ વિભાગે સાત વર્ષમાં લીધેલા ૨૧૯૨૭ પૈકી માત્ર ૩૯ ફુડ
સેમ્પલ જ અનસેફ જાહેર કરાયા છે.ખાદ્યચીજોમાં જંતુઓ નીકળવાની સતત વધતી ફરિયાદોની
વચ્ચે મ્યુનિ.ફુડ વિભાગ ફરિયાદ મળ્યા પછી જાગીને કાર્યવાહી કરવા દોડી જાય છે.
ફુડ સેફટી એકટ-૨૦૦૬ અંતર્ગત વિવિધ ખાદ્યચીજોના સેમ્પલ લઈ
મ્યુનિસિપલ કોર્પોરેશનની આવેલી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામા આવે
છે.ફુડ વિભાગ તરફથી લેવામા આવતા સેમ્પલના રીપોર્ટ સામાન્ય રીતે પંદર દિવસમાં જાહેર
કરવાના હોય છે.છતાં સમયની મર્યાદામાં ફુડ વિભાગ કયારેય લીધેલા ફુડ સેમ્પલના
રીપોર્ટ જાહેર કરી શકયુ નથી.અદ્યતન લેબોરેટરી હોવાના કરાતા દાવા વચ્ચે ૧૧
ફેબુ્રઆરી-૨૫ના રોજ નકલી ઘીના વેચાણની શંકાના આધારે લેવામા આવેલા ઘીના સેમ્પલ
વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવા પડયા હતા.જેના રીપોર્ટ હજુ સુધી આવ્યા નથી.
નકલીઘીના વેચાણની શંકાના આધારે ખોખરા વિસ્તારમાં જે દુકાન અને ગોડાઉન સીલ કરાયા
હતા ત્યાં ઘી નહીં પણ તેલનુ વેચાણ કરાતુ હોવાનુ તપાસમાં ખુલતા સીલ કરાયેલા એકમ ખોલી અપાયા હોવાનું એડીશનલ
મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીએ કહયુ છે.તેમના કહેવા મુજબ,વડોદરા મોકલાયેલા
ઘીના સેમ્પલનો રીપોર્ટ હજુ સુધી મ્યુનિ.ના
ફુડ વિભાગને મળ્યો નથી.અદ્યતન લેબોરેટરી છતાં કયા કારણથી ઘીના સેમ્પલ વડોદરા ખાતે
આવેલી લેબોરેટરીમા મોકલવા પડયા તેનો સંતોષકારક જવાબ અપાયો નહતો.
કયા વર્ષમાં કેટલા ફુડ સેમ્પલ અનસેફ જાહેર કરાયા
વર્ષ ફુડ સેમ્પલ અનસેફ
૨૦૧૯ ૨૧૧૭ ----
૨૦૨૦ ૧૮૪૭ ---
૨૦૨૧ ૩૦૧૪ ૦૫
૨૦૨૨ ૩૦૯૮ ૦૪
૨૦૨૩ ૫૭૩૧ ૧૨
૨૦૨૪ ૫૨૮૩ ૧૪
૨૦૨૫ ૮૩૭ ૦૪