સાબરમતી રિવરફ્રન્ટની જમીનનો વહીવટ કરાયો, ૧૧૫૦ કરોડનો પ્લોટ વાર્ષિક ૪૬ લાખના ભાડાથી ત્રીસ વર્ષ માટે પધરાવી દેવાયો

૪૬ હજાર ચોરસમીટરનો પ્લોટ હરાજી કરી લીઝ ઉપર આપવાનો હતો,હરાજી વિના પાણીના ભાવે તંત્ર- શાસકોએ તાસકમાં આપ્યો

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
સાબરમતી રિવરફ્રન્ટની જમીનનો વહીવટ કરાયો, ૧૧૫૦ કરોડનો પ્લોટ વાર્ષિક ૪૬ લાખના ભાડાથી ત્રીસ વર્ષ માટે પધરાવી દેવાયો 1 - image


અમદાવાદ,ગુરુવાર,7 માર્ચ,2024

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના લેમન ટ્રી વેલ્યુઝોનમાં આવતા પ્લોટની પ્રતિ ચોરસ મીટર રુપિયા ૨.૫૦ લાખ બેઝ પ્રાઈસ છે.આ વેલ્યુઝોનમાં આવતી રિવરફ્રન્ટના પૂર્વ કિનારે અટલબ્રિજના છેડે આવેલી ૪૬ હજાર ચોરસમીટર જમીન એન્ટરટેઈન્મેન્ટ હબ બનાવવા માટે પસંદ કરવામા આવી હતી.રુપિયા ૧૧૫૦ કરોડની કિંમતનો પ્લોટ વાર્ષિક રુપિયા ૪૬ લાખના મામૂલી રકમના ભાડાથી મ્યુનિ.તંત્રના અધિકારીઓ અને સત્તાધીશોએ ઈમેજીકાને તાસકમાં ધરી દેતા આ બાબત મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર અને સત્તાધીશોએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ઓઠા હેઠળ રિવરફ્રન્ટ ઉપર આવેલી કરોડો રુપિયાની કિંમતની જગ્યા તેમના મળતીયાઓને પધરાવી દેવા થોડા સમય પહેલા સાબરમતી રિવરફ્રન્ટની અંદાજે રુપિયા પાંચ હજાર કરોડની જમીનને લઈ અલગ અલગ સાત વેલ્યુઝોન નકકી કરી તેને ડેવલપમેન્ટ રાઈટસ સાથે આપવાનો નિર્ણય કર્યો હતો.જે સમયે રિવરફ્રન્ટ વેસ્ટ તથા ઈસ્ટની જમીનના વેલ્યુઝોન નકકી કરવામાં આવ્યા હતા.તે  સમયે રિવરફ્રન્ટની કરોડો રુપિયાની જમીન પાણીના ભાવથી તંત્ર અને શાસકપક્ષના હોદ્દેદારો તેમના મળતીયાઓને પધરાવી દેશે એમ લોકો માનવા લાગ્યા હતા.શહેરીજનોને વિકાસ આપવાની ગુલબાંગ વચ્ચે સાબરમતી રિવરફ્રન્ટની ૪૬ હજાર ચોરસમીટર જગ્યા સિંગલ ટેન્ડરથી ઈમેજીકાને આપવાની દરખાસ્ત મ્યુનિ.તંત્ર-શાસકોએ મંજૂર કરી છે.સસ્તા ભાવથી આ જમીન લીઝ ઉપર આપવામા આવી હોવાછતાં બે વર્ષના સમયમાં આ પ્રોજેકટ પુરો થશે કે કેમ? એ બાબત શંકાસ્પદ છે.સાબરમતી રિવરફ્રન્ટ ઉપર અગાઉ ફિલ્મ અભિનેતા સુનિલ શેટ્ટીથી લઈ ઘણી હસ્તીઓ ડેવલપ કરશે એવા એમ.ઓ.યુ.પણ પોકળ પુરવાર થયા છે.

સાબરમતી રિવરફ્રન્ટના વેલ્યુઝોનમા ડેવલપમેન્ટ રાઈટસના દર કયા નકકી કરાયા હતા?

સ્થળ           જગ્યા(સ્કે.મીટર)        પ્રતિ સ્કે.મીટર દર

ઈવેન્ટ સેન્ટર પાસે    ૨૯૩૮૬         ૨૨૬૪૭

વલ્લભસદન પાસે      ૨૭૯૪૩         ૨૩૬૭૬

સાબરમતી,પાવરહાઉસ પાસે    ૪૮૬૯૪     ૨૧૬૯૧

પિકનીક હાઉસ, શાહીબાગ      ૧૧૦૫૪       ૨૪૭૫૦

દૂધેશ્વર                       ૩૫૨૩૬          ૧૯૯૮૨

લેમનટ્રી હોટલ પાસે           ૧૭૦૦૦         ૨૦૮૩૩

જગન્નાથ મંદિર પાસે            ૫૯૦૦         ૧૬૧૭૨



Google NewsGoogle News