Get The App

30 લાખની લાંચ કેસમાં આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજૂર

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
30 લાખની લાંચ કેસમાં આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજૂર 1 - image


Dinesh Parmar arrested : ભાવનગરના આરોગ્ય વિભાગના તત્કાલીન નાયબ નિયામક અને તેમના સાથી ડોકટર વિરૂદ્ધની ખાતાકીય તપાસમાં તરફેણમાં રિપોર્ટ આપવા અને મદદ કરવા પેટે રૂ.30 લાખની લાંચ માંગવાના ચકચારભર્યા કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ આખરે છેલ્લા કેટલાક દિવસોથી નાસતા ફરતા આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ બાબુભાઇ પરમારની ધરપકડ કરી લીધી છે અને તેમને આજે સ્પેશ્યલ એસીબી કોર્ટમાં રજૂ કર્યા હતા. સ્પેશ્યલ એસીબી કોર્ટે આરોપી અધિક સચિવ દિનેશ પરમારને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા. અધિક સચિવ કક્ષાના અધિકારી લાંચ કેસમાં ફસાયા હોય અને એસીબીના રડારમાં સપડાયા હોય તેવો રાજયનો આ સૌપ્રથમ કેસ છે, જેને લઇ રાજય સરકારમાં પણ જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. 

એસીબીના સપાટાથી સરકારમાં ખળભળાટ

અગાઉ આ ચકચારભર્યા કેસમાં સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગના નિવૃત ડીન અને સરકારમાં મોટી પહોંચ-વગ ધરાવનારા એવા ગીરીશ જેઠાલાલ પરમારને રૂ.15 લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. એસીબીએએ ગીરીશ પરમારના પણ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેની મુદત પૂરી થતાં તેને જેલમાં ધકેલી દેવાતાં હવે તે જેલના સળિયા ગણતો થઇ ગયો છે. 

બીજીબાજુ, આ પ્રકરણમાં છેલ્લા કેટલાક દિવસોથી મુખ્ય આરોપી એવા આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ બાબુભાઇ પરમાર નાસતા ફરતા હતા, જેને ગુરૂવારે એસીબીએ ઝડપી લીધા હતા અને કોર્ટમાં રજૂ કર્યા હતા. જયાં આરોપી દિનેશ પરમારના સાત દિવસના રિમાન્ડની માંગણી કરતાં એસીબી તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી. બ્રહ્મભટ્ટ અને મદદનીશ સરકારી વકીલ સી.આર.ખત્રીએ જણાવ્યું હતું કે, આરોપી દિનેશ બાબુભાઇ પરમાર અને આરોપી ગીરીશ પરમારે ફરિયાદી એવા ભાવનગરના તત્કાલીન નાયબ નિયામક(આરોગ્ય અને તબીબી સેવાઓ)  અને તેના સાથી ડોકટરને મદદ કરવા અને તરફેણમાં રિપોર્ટ આપવા પેટે રૂ.30 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં દિનેશ પરમાર વતી લાંચનો પહેલો હપ્તો સ્વીકારતા ગીરીશ પરમાર એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. આમ, બંને આરોપીઓ લાંચ લેવામાં એકબીજાની મદદગારી કરતા હોવાનું તપાસમાં ખૂલ્યું છે.ખૂબ જ ગંભીર એવા આ ગુનાની તપાસ માટે દિનેશ પરમારના પૂરતા રિમાન્ડ આપવા જોઇએ.

શું હતો રાજયભરમાં ખળભળાટ મચાવનાર લાંચનો કેસ...?

આ કેસના ફરિયાદી ડો.મનીષ ફેન્સી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક(આરોગ્ય અને તબીબી સેવાઓ) તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ફરિયાદી દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેકટીસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરાઇ હતી. જેના કારણે ફરિયાદી સામે જ ખંડણીની માંગણીની ફરિયાદ કમિશનર સમક્ષ થઇ હતી. જેમાં ફરિયાદી ડો.મનીષ ફેન્સી તેમ જ તેમના સાથી ડોકટર સુનીલ પટેલને ફરજ મોકૂફી પર ઉતારી દેવાયા હતા અને બાદમાં તેઓની વિરૂદ્ધ ખાતાકીય તપાસ હાથ ધરાઇ હતી. 

જે સંદર્ભમાં ડેન્ટલ વિભાગના નિવૃત ડીન ગીરીશ જેઠાલાલ પરમારે ફરિયાદીનો સંપર્ક કરી તેઓની વિરૂઘ્ધની કાર્યવાહીમાં તરફેણ કરવા આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર સાથે મીટીંગ કરવા બોલાવ્યા હતા. બાદમાં, બંને આરોપીઓએ રૂ.30 લાખની મસમોટી લાંચની માંગણી કરી હતી. જેને પગલે એસીબીએ 9 દિવસ પહેલાં ગોઠવેલા છટકામાં ગીરીશ પરમાર તેમના ઘરમાં જ ફરિયાદી પાસેથી રૂ.15 લાખ જેટલી મોટી લાંચની રકમ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા. 

દિનેશ પરમારની તપાસ માટે રિમાન્ડના બીજા મહવના કારણો....??

- લાંચના આ નાણાંમાંથી બીજા કોઇ સરકારી ઉચ્ચ અધિકારી કે કર્મચારીને હિસ્સો આપવાનો હતો કે કેમ...?

- આરોપી દિનેશ પરમારની કેટલી મિલ્કતો છે અને કયાં કયાં વસાવી છે તેની તપાસ કરવાની છે

- આરોપી કઇ કઇ બેંકમાં ખાતાઓ ધરાવે છે અને તમામ એકાઉન્ટ્‌સની ચકાસણી કરવાની છે

- આરોપીનું ગાંધીનગર એફએસએલમાં વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવવાનું હોઇ તેની હાજરી જરૂરી

- આરોપી દિનેશ પરમારનું ગાંધીનગર ફોરેન્સીક સાયન્સ યુનિ.માં વીડિયો રેકોર્ડિંગ સ્ટેટમેન્ટ લેવાનું હોઇ કસ્ટડી અનિવાર્ય

- ફરિયાદી અને આરોપીઓ વચ્ચે થયેલ વાતચીતની ટ્રાન્સ્ક્રીપ્ટ અને હકીકતોની તપાસ કરવાની છે

- દિનેશ પરમારે અત્યાર સુધી આ પ્રકારે કેટલી વ્યકિતઓ પાસેથી અને કેટલી રકમની લાંચ લીધી..?

- આ ગુનામાં સંબંધિત ફાઇલો અને દસ્તાવેજોની નકલ આરોપી પાસેથી કઢાવવાની છે

Tags :