શહેરીજનો ઉપર વધારાનો બોજ AMTS ની સ્પેશિયલ વર્ધીની બસ માટે ૨૫૦૦નો વધારો ઝીંકી દેવાયો

અગાઉ લઘુત્તમ ભાડુ રુપિયા બે હજાર હતુ,રાત્રિ માટેબમણું ભાડુ વસૂલાશે

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
શહેરીજનો ઉપર વધારાનો બોજ  AMTS ની સ્પેશિયલ વર્ધીની બસ માટે  ૨૫૦૦નો વધારો ઝીંકી દેવાયો 1 - image


અમદાવાદ,શુક્રવાર,2 ઓગસ્ટ,2024

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા લગ્ન સહિતના અન્ય પ્રસંગો માટે આપવામા આવતી સ્પેશિયલ વર્ધીની બસ માટે રુપિયા ૨૫૦૦ સુધીનો ભાડા વધારો ઝીંકી દેતા શહેરીજનો ઉપર વધારાનો બોજ લાદવામાં આવ્યો છે.અગાઉ લઘુત્તમ રુપિયા બે હજાર ભાડુ વસૂલાતુ હતુ.રાત્રિના સમય માટે બમણુ ભાડુ વસૂલવામા આવશે.

મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તરફથી આપવામા આવતી સ્પેશિયલ વર્ધીની બસ માટે અગાઉ લઘુત્તમ બે કલાકના સમય માટે રુપિયા બે હજાર ભાડુ વસૂલાતુ હતુ.બે કલાકને બદલે હવે ત્રણ કલાકની સમય મર્યાદા કરવામા આવી છે.બીજી તરફ મ્યુનિ.હદ વિસ્તાર માટે સ્પેશિયલ વર્ધીની બસ મેળવવા અગાઉ પ્રતિ કલાકના રુપિયા એક હજારના બદલે રુપિયા ૧૫૦૦ ચાર્જ કરવામાં આવ્યો છે.ત્રણ કલાક માટે સ્પેશિયલ વર્ધીની બસ મેળવવાની ઈચ્છા રાખનારાઓએ રુપિયા ૪૫૦૦ એ.એમ.ટી.એસ.ને ચૂકવવા પડશે.મ્યુનિ.હદ બહારના સ્થળે સ્પેશિયલ વર્ધીની બસ લઈ જવા પ્રતિ કલાક રુપિયા ૨૫૦૦ લેખે રુપિયા ૭૫૦૦ ચૂકવવા પડશે.વધારાની દર પંદર મિનીટ માટે રુપિયા ૫૦૦ ચૂકવવા પડશે.બસ દીઠ એડવાન્સ રુપિયા બે હજાર ચૂકવવા પડશે.

૩૦ની કેપેસીટી સામે ૪૦ પેસેન્જર બસમાં લઈ જવાશે

એ.એમ.ટી.એસ.દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા શિવ મંદિરો સહિતના અન્ય મંદિરો સુધી શ્રધ્ધાળુઓને પહોંચાડવા બસ શરુ કરવાની જાહેરાત કરી છે. બસ દીઠ ૩૦ પેસેન્જરો બેસી શકે એમ છે.આમ છતાં ૪૦ પેસેન્જરો બસ દીઠ લેવામાં આવશે.બસ દીઠ  મ્યુનિ.હદમાં રહેનારાએ રુપિયા ત્રણ હજાર તથા હદ બહાર રહેનારાએ રુપિયા પાંચ હજાર જમા કરાવવા પડશે.બસ મેળવવા મ્યુનિ.નું છેલ્લુ પ્રોપર્ટી ટેકસ બિલ ભર્યાની નકલ આપવી પડશે.લાલદરવાજા,મણિનગર,વાડજ તથા સારંગપુર ટર્મિનસ ખાતેથી સવારના ૮.૧૫ કલાકથી બસ ઉપડી સાંજે ૪.૪૫ કલાકે પરત ફરશે.


Google NewsGoogle News