દરેક PI માટે રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત, અમદાવાદ કમિશ્નરનો આદેશ
Ahmedabad Police: અમદાવાદ શહેર પોલીસ સામે પોલીસ કમિશ્નર જી.એસ.મલિક દ્વારા કડક આદેશ અપાયો છે. જેમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI)એ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના પોલીસ મથકની હદમાં હાજર રહેવું પડશે. આ ઉપરાંત દરરોજ મુલાકાત અર્થે આવતા નાગરિકોને બપોરે 4થી 6 દરમિયાન મુલાકાત કરવી પડશે.
અમદાવાદ પોલીસ કમિશ્નરનો કડક આદેશ
અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિક દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર, ખાસ પોલીસ કમિશ્નર/સંયુક્ત પોલીસ કમિશ્નર/અધિક પોલીસ કમિશ્નર/નાયબ પોલીસ કમિશ્નર/મદદનીશ પોલીસ કમિશ્નરે દરરોજ બપોરે 12થી 4 વાગ્યાની વચ્ચે પોતાની કચેરીમાં આવતા મુલાકાતીઓને કચેરી ખાતે હાજર રહીને તેમની રજુઆત સાંભળવાની રહેશે. મુલાકાતી પોતાની રજુઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં કચેરીમાં તેઓ હાજર ના હોય તો તેઓની કચેરીના રીડર પો.સ.ઇ./અંગત મદદનીશએ અરજદારોને મળી અરજદારની રજૂઆત સાંભળવાની રહેશે.
અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરને કેટલાક આદેશ કરવામાં આવ્યા છે. પોલીસ ઇન્સ્પેકટરે દરરોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં હાજર રહીને મુલાકાત માટે આવતાં મુલાકાતીઓને મુલાકાત આપી તેઓની રજૂઆતો સાંભળવાની રહેશે.
આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટરે દરરોજ સાંજે 6થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ, ગુનેગારોનું ચેકીંગ, નાસતા ફરતાં આરોપીઓનું ચેકીંગ, હીસ્ટ્રીશીટરોનું ચેકીંગ જેવી કામગીરી પોલીસ સ્ટેશનથી બહાર નીકળી પોતાના વિસ્તારમાં કરવાની રહેશે. આ ઉપરાંત આ બાબતે નાયબ પોલીસ કમિશ્નરઓએ પોતાના તાબાના થાણા અમલદારની ઓચિંતી મુલાકાત લઈ ચેકીંગ કરવાનું રહેશે.