કારણ વિના ગેરહાજર રહેતાં શિક્ષકો પર કરાઈ કડક કાર્યવાહી, ચારને બરતરફ કરી સાતના રાજીનામા મંજૂર કરાયા
Action Taken Against Teachers: રાજ્યભરમાં શિક્ષકો કારણ વગર લાંબા સમયથી ગેરહાજર રહેતાં હોવાના અનેક અહેવાલો સામે આવ્યા હતાં. ઘણાં શિક્ષકો તો જાણ બહાર વિદેશ જતાં રહ્યાનો પણ ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે સરકારે આવા તમામ શિક્ષકો સામે વિવિધ જિલ્લામાં કડક એક્શન લેવામાં આવી રહ્યાં છે. જે દરમિયાન ગાંધીનગર જિલ્લામાં પણ કારણ વિના ગેરહાજર રહેતાં પ્રાથમિક વિભાગના શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ એક શિક્ષકને નોકરી પર ફરી હાજર કરવામાં આવ્યા છે અને ચાર શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિદેશ ગમન સહિતના કિસ્સાઓમાં સાત શિક્ષકો દ્વારા નોકરી પર હાજર થવાના બદલે રાજીનામા આપી દેવાતા તેનો સ્વીકાર કરી લેવાયો છે.
ચાર શિક્ષકોને કરાયાં બરતરફ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. પિયુષ પટેલે જણાવ્યું, કે છેલ્લી નોટિસ હોવા છતાં હાજર નહીં થયેલાં શિક્ષકોને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકાની ઉવારસદ કુમાર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક ચૌધરી નિર્મલાકુમારી અમૃતલાલ, ગાંધીનગર તાલુકાના ટીંટોડી પ્રાથમિકા શાળાના મદદનીશ શિક્ષક ગઢવી રાજેશકુમાર દાદુભાઈ, કલોલ તાલુકાની વાંસજડા(ક) પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક મોદી પ્રિયંકાબેન જયંતીલાલ અને કલોલ તાલુકાની ઉનાલી પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક પટેલ રૂપલબેન નટવરભાઈનો સમાવેશ થાય છે. આ તમામ શિક્ષકો સામે ગુજરાત પંચાયત સેવાના શિસ્ત અને અપિલના નિયમો તથા નાણાં વિભાગના ગેઝેટ 2006ના જાહેરનામાં અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ફરી ટોળાનો આતંક, તલવાર-હથિયાર સાથે સોસાયટીમાં ઘૂસી મચાવી તોડફોડ
અંતિમ નોટિસ બાદ કરાઈ કાર્યવાહી
શાળાઓમાં ગેરહાજર રહેવામાં 16 શિક્ષકોના નામ ખુલ્યાં હતાં, જેમાં 12 કિસ્સાઓમાં શિક્ષકો એક વર્ષથી વધુ સમયથી ગેરહાજર હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે શિસ્ત ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, 16 માંથી 7 શિક્ષકોએ જાતે જ રાજીનામું આપી દેતાં તેમના રાજીનામાનો સ્વીકાર કરી લેવાયો છે. આ સિવાય અંતિમ નોટિસના પગલે અડાલજ કુમાર પ્રાથમિક શાળાના એચટાટ આચાર્ય સેન્દાણે રોમાબેન નરેન્દ્રકુમાર હાજર થતાં તેમને નોકરી પર પરત લેવાયા હતાં.
રાજીનામું આપીને સાત શિક્ષકોએ નોકરીને પડતી મૂકી
વિદેશ ગમન સહિતના કિસ્સામાં વગર રજાએ ગેરહાજર રહ્યા બાદ અંતિમ નોટિસ અપાયાના પગલે સાત શિક્ષકોએ રાજીનામું આપીને નોકરીને પડતી મૂકી હતી. તેમાં કલોલની કાંઠા શાળાના કવિતાબેન ચતુરભાઈ, ખાત્રજ શાળાના અમિતાબેન મણીભાઈ, શેરીસા શાળાના ગીરાબેન વિષ્ણુભાઈ, માણસાની બોર શાળાના નિકિતાબેન પ્રહલાદભાઈ, બાપુપુરા શાળાના ઈન્દિરાબેન જયંતિભાઈ, દહેગામની માછંગમોટી શાળાના નીતાબેન રાજુભાઈ અને ગાંધીનગરની વડોદરા લાટ શાળાના રીમાબેન રમેશભાઈનો સમાવેશ થાય છે.