અમદાવાદમાં પોલીસ કર્મચારીને મેડિકલના ધંધામાં રોકાણ કરાવી 1.23 લાખ લઈ ફરાર થયેલો આરોપી ઝડપાયો

મેડિકલ અને અલગ અલગ ધંધામાં રોકાણ કરવાની લાલચો આપી લોકોને ઠગતો હતો

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં પોલીસ કર્મચારીને મેડિકલના ધંધામાં રોકાણ કરાવી 1.23 લાખ લઈ ફરાર થયેલો આરોપી ઝડપાયો 1 - image



અમદાવાદઃ રાણીપમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલને મેડિકલના ધંધામાં રોકાણ કરવાથી વધારે નફો મળશે તેવી લાલચ આપીને ગઠિયાએે રૂ.1.23 લાખ રોકાણ પેટે મેળવી ફરાર થઈ ગયો હતો. આ મામલે હેડ કોન્સ્ટેબલે રાણીપ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીને શહેર ક્રાઈમ બ્રાંચે ગુજરાત યુનિવર્સિટી ત્રણ રસ્તા પાસેથી ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

અમદાવાદમાં રાણીપ રેલવે પોલીસ લાઈનમાં રહેતા 36 વર્ષીય રાકેશકુમાર પરમાર સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. થોડા દિવસ અગાઉ રાકેશકુમાર તેમના મિત્રો સાથે ગોકુલ હોટલ પાસે બેઠા હતા ત્યારે હોટલનો મેનેજર મંયક વ્યાસ સંપર્કમાં આવ્યા હતા. તે સમયે મયંકે મેડિકલના ધંધામાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી વાત કરી દર મહિનાની 1 તારીખે તમને તમારો નફો મળી જશે તેવી વાત કરી હતી. રૂ.1.23 લાખ મેળવ્યા બાદ મયંકે ફોન બંધ કરી દીધો હતો. આ અંગે રાકેશકુમારે રાણીપ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

ત્યાર બાદ આ તપાસ ક્રાઈમ બ્રાંચના હાથમાં આવતાં બાતમીને આધારે આરોપી મયંક વ્યાસને ઝડપી લેવાયો હતો. ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં આરોપીએ કહ્યું હતું કે, તેણે મેડિકલ તેમજ અલગ અલગ ધંધામાં રોકાણ કરવાની લાલચો આપી અલગ અલગ માણસો પાસેથી રૂપિયા મેળવી છેતરપિંડી આચરી છે. તેની સામે કાર્યવાહી કરીને હાલમાં તેને સાણંદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. તેની સામે હરિણાયા સોનિપત, દહેરાદૂન નહેરૂ કોલોની, રાણીપ અને સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. 


Google NewsGoogle News