આંતકવાદ, હત્યા સહિતના ગુનાઓમાં વર્ષો સુધી ફરાર વિરભાંગસિંહ ટાડા કોર્ટ દ્વારા નિર્દોષ છોડાયો
અમદાવાદ,તા.22 નવેમ્બર 2022,મંગળવાર
શાહીબાગ વિસ્તારમાં ૩૫ વર્ષ પહેલા આંતંકવાદ, હત્યા સહિતના ગુનામાં વર્ષો સુધી નાસતા ફરતા રહેલા અને તાજેતરમાં પકડાયેલા વિરભાંગસિહ ઉર્ફે બિરબલ શિવરામસિંહ સેંગર સામે ટાડા સહિતની વિવિધ કલમો હેઠળનો કેસ ચાલી ગયો હતો. ટ્રાયલના અંતે ટાડા કોર્ટના સ્પેશ્યલ જજ હરેશકુમાર એચ.ઠક્કર દ્વારા આરોપી વિરભાંગસિંહને દોષમુકત જાહેર કરાયો હતો અને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો માંહતો.
સને ૧૯૮૭માં આરોપી વિરૂધ્ધ હત્યા, આંતકવાદ પ્રવૃત્તિ અટકાવવા ધારા સહિતનો ગુનો નોંધાયો હતો
ઉલ્લેખનીય છે કે, આરોપી વિરભાંગસિંહ ઉર્ફે બિરબલ શિવરામસિંહ સેંગરને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૮૨ મુજબ અગાઉ ફરાર જાહેર કરાયો હતો. કોર્ટે આરોપીઓને શોધવા માટે પોલીસે જાહેરનામાની નકલ કોર્ટના પ્રવેશદ્વારે, આરોપીઓના રહેણાંક તથા ધંધાના સ્થળે ચોંટાડીને પ્રસિદ્ધ કરવા માટે નિર્દેશો પણ આપ્યા હતા. આ પછી આરોપી તા.૨૯મી મેના રોજ ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસની વિગત એવી છે કે, શહેરના શાહીબાગ વિસ્તારમાં ૧૯૮૭ની સાલમાં ગેરકાયદે મંડળી બનાવીને હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, કાવતરું, આતંકવાદ તથા તોડફોડ પ્રવૃત્તિ (અટકાવવા) ધારા ૧૯૮૫ની કલમ -૩ હેઠળ વિરભાંગસિહ ઉર્ફે બિરબલ શિવરામસિંહ સેંગર સહિત અન્યો સામે પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મૂક્યું હતું. જે કેસમાં આરોપી વિરભાંગસિંહ ઉર્ફે બિરબલ શિવરામસિંહ સેંગર ટાડાની કોર્ટમાં હાજર નહીં રહેતા ડેઝીગ્નેટેડ કોર્ટે ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ -૮૨ અને ૮૩ મુજબનું ફરાર જાહેરનામું બહાર પાડયું હતું.
આરોપી મે માસમાં પકડાયો ને નવેમ્બરમાં છૂટી ગયો
આરોપી વિરભાંગસિહ ઉર્ફે બિરબલ શિવરામસિંહ સેંગર વર્ષો સુધી નાસતો ફરતો રહ્યો હતો અને હજુ તા.૨૯મી મે ૨૦૨૨ના રોજ પોલીસના હાથે ઝડપાયો હતો. દરમ્યાન ટાડાની ખાસ કોર્ટે આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ટાડાની કલમો હેઠળ તહોમતનામું ફરમાવ્યુ હતુ. નોંધનીય અને આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે, આટલો ગઁભીર કેસ માત્ર પાંચ મહિનામાં ચાલી ગયો અને ટાડાના સ્પેશયલ કોર્ટે આરોપીને દોષ મુકત જાહેર કરી છોડી પણ મૂકયો, જેને લઇને પણ વકીલો-પક્ષકારોમાં પણ ભારે ચર્ચા ચાલી હતી.