Get The App

સાબરમતી રેલવે સ્ટેશનની હદમાં મોરૈયા-મટોડા વચ્ચે પાટા પરની એન્કર ક્લીપો ઉખાડનારા આરોપીઓ ઝડપાયા

Updated: Feb 25th, 2022


Google NewsGoogle News
સાબરમતી રેલવે સ્ટેશનની હદમાં મોરૈયા-મટોડા વચ્ચે પાટા પરની એન્કર ક્લીપો ઉખાડનારા આરોપીઓ ઝડપાયા 1 - image


- આરોપીઓએ નોકરી મેળવવા માટે થઈને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી

અમદાવાદ, તા. 25 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર

થોડા દિવસ પહેલા અમદાવાદ જિલ્લામાં મોરૈયા-મટોડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન ઉથલાવીને દુર્ઘટના સર્જવાના એક કાવતરાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસ દ્વારા 4 અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગુનાના સ્થળે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લઈને તથા ખાનગી બાતમીના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી છે. સાણંદના મટોડા ખાતે રહેતા પ્રહલાદભાઈ પ્રભુભાઈ મકવાણા, પરબતભાઈ મોબુબભાઈ ચુનારા અને સંદીપ ઉર્ફે પવલી હરગોવિંદભાઈ મકવાણાએ આ ગુનાને અંજામ આપ્યો હતો. 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, રેલવે ટ્રેકની દેખરેખ રાખતી પાર્થ સિક્યોરિટીમાં આ ગુનાના આરોપી એવા પ્રહલાદભાઈ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમના મિત્રો પરબતભાઈ અને સંદીપભાઈએ સિક્યોરિટીમાં નોકરી અપાવવા માટે કહેલું. પ્રહલાદભાઈએ હાલ કોઈ નોકરી ન હોવાનું જણાવ્યું હતું. સાથે જ મટોડા રેલવે સ્ટેશન ગેટ નંબર 45/સીથી મોરૈયા રેલવે સ્ટેશન તરફના રેલવે ટ્રેક પર કોઈ સિક્યોરિટી ગાર્ડને ડ્યુટી ન ફાળવી હોવાની માહિતી આપી હતી. સાથે જ પાટામાં લાગેલી એન્કર ક્લીપો કાઢી નાખવાથી આ વાત સામે આવશે અને રેલવે સત્તાધીશોને સિક્યોરિટી ગાર્ડ મુકવાનું ધ્યાનમાં આવશે તેવી સલાહ પણ આપી હતી. આમ પ્રહલાદની સલાહ પ્રમાણે બાકીના બંને આરોપીઓએ તા. 21 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે 134 સલેપાટના કુલ 268 એન્કર ક્લિપ (ERC) કાઢીને આજુબાજુમાં ઝાડીઓમાં ફેંકી દીધા હતા. નિયમ પ્રમાણે આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવીને ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

 કેસની વિગતો પ્રમાણે બંને રેલવે સ્ટેશન વચ્ચે રેલવે કિ.મી. નં-37/08થી ડાબી બાજુના પાટા ઉપર ગ્લુ જોઈન્ટથી રેલવે કિ.મી. નં- 38/00 સુધીના આશરે 100 મીટરના ગાળામાં 134 સલેપાટના કુલ 268 એન્કર (ERC) ઉખાડી નાખવામાં આવ્યા હતા. 

પ્રાથમિક દૃષ્ટિએ કોઈએ આર્થિક લાભ માટે એન્કર ઉખાડી નાખ્યા હોવાનું જણાઈ રહ્યું હતું પરંતુ તપાસ દરમિયાન RPFને થોડે દૂર ઝાડી-ઝાંખરા અને પાણીના ખાબોચીયાઓમાંથી એન્કર મળી આવતાં બદઈરાદાનો ખુલાસો થયો હતો. રેલવેમાં ટ્રેકમેન તરીકે નોકરી કરતાં બાવળા તાલુકાના મોરૈયા ગામના નિવાસી અહમદહુસેન અને તેમના સાથે કી-મેન તરીકે પેટ્રોલિંગ માટે ફરજ બજાવતા મોરૈયા નિવાસી મદનલાલને સોમવારે તા. 21 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારે ડ્યુટી દરમિયાન પાટા પર એન્કર (ERC) ન હોવાની જાણ થઈ હતી. 

તેઓ રેલવે ટ્રેક પર એન્કર (ERC), પાટાના જોઈન્ટ વેલ્ડિંગ, પોઈન્ટ્સના બોલ્ટ, જોડપટ્ટીના બોલ્ટ, સલેપાટ, રેલ ફ્રેક્ચર અને ટ્રેક પર પથ્થર ચેક કરવા સહિતની કામગીરી કરતા હતા તે દરમિયાન સવારે 08:20 કલાકે આ અંગેની જાણ થઈ હતી. ત્યાર બાદ તેમણે મોરૈયા રેલવે સ્ટેશનમાં જાણ કરી હતી અને મટોડા રેલવે સ્ટેશનના ઓન ડ્યુટી સ્ટેશન માસ્ટરને પણ જાણ કરવામાં આવી હતી. તેમણે ધોળકા તરફથી આવી રહેલી માલગાડીને સવારે 09:00 કલાકે મટોડા રેલવે સ્ટેશન ખાતે ઉભી રખાવી દીધી હતી જેને લાઈન ક્લીઅર થયા બાદ 11:25 કલાકે રવાના કરવામાં આવી હતી. 


Google NewsGoogle News