કાંરજ ધમકી કેસના આરોપીએ ફરિયાદીને ફસાવવા ખોટી અરજી દીધી!
લો કરો વાત ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે...
હત્યા કેસમાં સમાધાન કરવા માટે ફરિયાદીને ધમકી આપી હતીઃ રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં અરજી આપીઃ શંકા જતા આરોપી નાસી ગયો
અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદના મિરઝાપુરમાં એક યુવકની હત્યા કેસના ફરિયાદીને થોડા દિવસ પહેલા એક યુવકે સમાધાન કરવાનુ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કાંરજ પોલીસે ગુનો નોંધ્યો હતો. જો કે ધમકી આપનાર યુવકે ફરિયાદીને ખોટી રીતે ફસાવવા માટે રીવરફ્રન્ટ ઇન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અને તેના બે ભાઇ વિરૂદ્ધ ખોટી અરજી આપી હતી. પરંતુ, પોલીસને શંકા જતા પુછપરછ કરી ત્યારે તે નાસી ગયો હતો. બીજી તરફ પોલ ખુલી જવાના ડરથી ધમકી આપનાર યુવકે કારંજ પોલીસ કેસમાં પોલીસ સમક્ષ જઇને સરંડર કરી દીધું હતું. આ સમગ્ર બનાવની વિગતો એવી હતી કે મિરઝાપુરમાં રહેતા અરબાઝ બેલીમના ભાઇ બિલાલ પર કરીમ સૈયદ અને તેના ત્રણ પુત્રોએ ધંધાકીય અદાવતમાં છરીના ૪૦થી વધારે ઘા મારીને હત્યા કરી હતી. જે કેસમાં શાહપુર પોલીસે કરીમ અને તેના ત્રણેય પુત્રોને ઝડપીને સાબરમતી જેલ હવાલે કર્યા હતા. ત્યારબાદ તમામ આરોપીઓએ જામીન પર તેમજ પેરોલ પર છુટવા માટે નીચલી કોર્ટથી માંડીને ગુજરાત હાઇકોર્ટ સુધી અરજી કરી હતી.
પરંતુ, આરોપીઓ ફરિયાદી અને તેના પરિવારને જેલમાંથી ધમકી ભર્યો ફોન કરવાથી માંડીને અનેકવાર સમાધાન માટે ધમકી આપી હોવાથી કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. ત્યારે ગત ૨૪મી ઓક્ટોબરના રોજ રાતના સમયે રૂપાલી સીનેમા પાસે આવેલી એક ચાની કીટલી પાસે સલમાન ઉર્ફે હાફીજજી નામના યુવકે અરબાઝ પાસે આવીને ધમકી આપી હતી કે જો તે સમાધાન નહી કરે તો તેને તેમજ પરિવારને ફાયરીંગ કરીને મારીને નાખશે. આ બાબતે કાંરજ પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારે સલમાન નામના આરોપીએ ફરિયાદી અરબાઝ અને તેના પરિવારને ખોટી રીતે ફસાવવાના ઇરાદે એક પ્લાન ઘડયો હતો. જેમાં તેણે સાબરમતી રીવર ફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં જઇને અરબાઝ અને તેના બંને ભાઇ વિરૂદ્ધ ખોટી અરજી આપી હતી કે તેમણે રીવર ફ્રન્ટ રોડ પર તેનો પીછો કરીને ધમકી આપી હતી.જો કે પોલીસે સલમાનને કેટલાંક પ્રશ્નો પુછતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો અને કાંરજ પોલીસ મથકે તેના વિરૂદ્ધ નોંધાયેલી ફરિયાદ સંદર્ભમાં સામેથી હાજર થયો હતો.