જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ, અંજારમાં સૌથી વધુ, ખેડૂતોને નુકસાનની ભીતિ
દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ
Unseasonal rain in Gujarat : ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યારે હવે જામનગર અને રાજકોટ અને દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ શરુ થયો છે. આ ઉપરાંત કચ્છ, મહેસાણા, બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
અજારમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, દ્વારકામાં વરસાદ શરુ થયો છે જ્યારે કચ્છના અજારમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ભૂજ, મુંદ્રા અને ગાંધીધામમાં પણ ઝાપટું પડ્યું છે તો મહેસાણાના મંડાલી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની થતા ઘઉં, જીરા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે.