અમદાવાદમાં બેફામ કારે વાહનચાલકોને લીધા અડફેટે, એક મહિલાનું મોત, ચાર ઈજાગ્રસ્ત
Ahmedabad News : અમદાવાદ શહેરના મીઠાખળી વિસ્તારમાં એક પૂરપાટ જઈ રહેલી કારે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જેમાં અનેક વાહનોને અડફેટે લેતા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા, જ્યારે એક મહિલાનું મોત થયું છે. આ ઘટના HCG હોસ્પિટલની બાજુમાં દેરાસર નજીક બની હતી. સમગ્ર ઘટના મામલે એલ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
અકસ્માતમાં મહિલાનું મોત, ચાર લોકો ઇજાગ્રસ્ત
સફેદ કલરની સ્કોડા કારના ચાલક નિલેશ જગદીશભાઈ પટેલે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે રોડ પર જઈ રહેલા રાહદારીઓ અને વાહનચાલકોને ટક્કર મારી હતી. આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે રોનકબહેન પરીખ (ઉં.વ.40) નામની એક મહિલાનું મૃત્યુ થયું છે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, ડ્રાઇવરે દારૂ પીધો હોઈ શકે છે. જો કે, તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. ઈજાગ્રસ્તોમાં બે લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એલ ડિવિઝન પોલીસે આ મામલે ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.