દારૂનો કેસ ન નોંધવા બદલ ૫૦ હજારની લાંચમાં કોન્સ્ટેબલનો મળતીયો ઝડપાયો
એસીબીએ નારોલ ગામાં વોચ ગોઠવી
દારૂની ત્રણ બોટલ સાથે ઝડપાયેલા યુવક પાસેથી નારોલના પોલીસ કર્મચારીએ રૂ. ૭૦ હજારની લાંચ માંગી હતી
અમદાવાદ,શનિવાર
શહેરના નારોલમા પોલીસ સ્ટેશનની હદમાં પોલીસે એક યુવકને દારૂની ત્રણ બોટલો સાથે ઝડપીને તેના વિરૂદ્ધ કાર્યવાહી નહી કરવાના બદલામાં રૂપિયા ૭૦ હજારની લાંચ નક્કી કરી હતી. જે પૈકી ૨૦ હજાર એડવાન્સમાં લીધા હતા અને બાકીના ૫૦ હજાર આપતા સમયે ફરિયાદીએ એસીબીને જાણ કરતા વોચ ગોઠવીને પોલીસ કોન્સ્ટેબલના મળતિયાને ઝડપી લીધો હતા. આ અંગે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક યુવકને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બીપીન નામના એક પોલીસ કર્મચારીએ સ્કૂટરમાં દારૂની ત્રણ બોટલો સાથે ઝડપી લીધો હતો.
ત્યારબાદ તેને કર્ણાવતી પોલીસ ચોકી લઇ જવામાં આવ્યો હતો. જ્યાં બીપીને યુવક વિરૂદ્ધ કેસ નહી નોંધવાના બદલામાં પાંચ લાખની માંગણી કરી હતી. જો કે રકઝકના અંતે ૭૦ હજારની રકમ નક્કી થઇ હતી. જેમાં ૨૦ હજાર લીધા હતા. જ્યારે ૫૦ હજાર આપવાના બાકી હતા. આ અંગે ફરીયાદી યુવકે એસીબીમાં જાણ કરતા શનિવારે નારોલમાં શૌર્ય રેસીડેન્સી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં પોલીસ કર્મચારી બિપીન વતી તેનો મળતિયો બાલકૃષ્ણ શર્મા (શોર્ય રેસીડેન્સી,નારોલ) નામનો વ્યક્તિ આવ્યો હતો અને તેને બિપીનની સુચનાથી ૫૦ હજારની લાંચ લેતા ઝડપી લેવાયો હતો. આ અંગે એસીબીએ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.