જમીયતપુરામાં કસ્ટમ ઇન્સ. સહિત ત્રણ રૂ.૨.૩૨ લાખની લાંચ કેસમાં ઝડપાયા
ગાંધીનગર એસીબીએ જમીયત પુરામાં કસ્ટમ ઓફિસમાં ટ્રેપ ગોઠવી
આઇડીસી ખોડીયાર કસ્ટમ વિભાગમાંથી કન્ટેઇનર ક્લીયરન્સ માટે લાંચની માંગી હતીઃ આરોપીઓમાં આઉટ સોર્સ એન્જી. અને ખાનગી વ્યક્તિનો સમાવેશ
અમદાવાદ,શનિવાર
ગાંધીનગરની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ શનિવારે ગાંધીનગર જમીયતપુરા ખોડીયાર ખાતે આવેલી કસ્ટમ ઓફિસની બહાર છટકું ગોઠવીને રૂપિયા ૨.૩૨ લાખની લાંચ કેસમાં આઇડીસી ખોડીયાર ડેપોના કસ્ટમ ઇન્સ્પેક્ટર, આઉટ સોર્સ તરીકે કામ કરતા એન્જીનીયર અને ખાનગી વ્યક્તિને ઝડપી લીધા હતા. આરોપીઓએ ફરિયાદીના કન્ટેઇનરના ક્લીયરન્સ આપવા માટે લાંચની માંગણી કરી હતી. જેના આધારે એસીબીએ છટકુ ગોઠવ્યું હતું. અમદાવાદ ખાતે રહેતા એક વ્યક્તિની કંપનીના સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર મહિના મહિનામાં આવેલા રૉ મટિરીયલના કન્ટેઇનર આઇડીસી ખોડીયાર આવેલી કસ્ટમ વિભાગની ઓફિસમાં ક્લીયર કરવા માટે અરજી કરી હતી. પરંતુ, પરંતુ, કસ્ટમ ઇન્સ્પેક્ટર સંતીદરપાલ અરોરા ક્લીયરન્સના કામ માટે ૨.૩૨ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જે રકમ આપવા માટે શનિવારે નક્કી થતા ફરિયાદીએ એસીબી ગાંધીનગરમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ કસ્ટમ ઓફિસની બહાર ટ્રેપ ગોઠવી હતી. જેમાં કસ્ટમ વિભાગમાં આઉટ સોર્સથી એન્જીયર તરીકે નોકરી કરતા અંકિત દેસાઇને સંતીદરપાલે ફોન કરીને લાંચની રકમ લેવાની વાત કરી હતી અને અંકિત દેસાઇએ ઇન્સ્પેક્ટર વતી વહીવટ કરતા ગુલામ મલેકને ફોન કરીને લાંચની રકમ લેવાનું કહેતા તેણે ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારતા એસીબીએ તેને ઝડપી લીધો હતો. ત્યારબાદ અલગ અલગ ટીમ બનાવીને કસ્ટમ ઇન્સ્પેક્ટર સંતીદરપાલ અને એન્જીનીયર અંકિત દેસાઇને પણ ઝડપી લીધા હતા. આ અંગે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.