આસીસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને આશીષ પટેલ પાસેથી અનેક ફાઇલ મળી આવી
એસીબીએ બંનેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
હર્ષદ ભોજકે કરોડો રૂપિયાનું રોકાણ મિલકતોમાં રોકાણ કર્યાની શક્યતાઃ સેટીંગના નાણાં અન્ય અધિકારીઓને પહોંચતા કરવા નેટવર્ક ગોઠવાયાનો ખુલાસો
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસીસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેના મળતિયા આશીષ પટેલની રૂપિયા ૨૦ લાખની લાંચ કેસમાં ધરપકડ કર્યા બાદ એસીબીએ બંનેની ઓફિસ અને નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરતા ૭૩ લાખની રોકડ અને સોનાનું બિસ્કીટ મળી આવ્યું હતું. આ ઉપરાંત, હર્ષદ ભોજકની ઓફિસમાંથી જમીનને લગતી અનેક ફાઇલો મળી આવી હતી. તેમજ આશીષ પટેલ પાસેથી કેટલીક ફાઇલની કોપી પણ મળી આવી હતી. બીજી તરફ એસીબીએ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં એસીબીને માહિતી મળી હતી કે હર્ષદ ભોજકે વાંધાજનક જમીનને સેટલમેન્ટ માટે અન્ય અધિકારીઓ સાથે મળીને એક નેટવર્ક બનાવ્યું હતું. જે અંગેની તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ ગુરૂવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસીસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર હર્ષદ ભોજક અને તેના મળતિયા તરીકે કામ કરતા એન્જીનિયર આશીષ પટેલને રૂપિયા ૨૦ લાખની લાંચ લેતા ઝડપી લીધા બાદ બંનેના ઘરે તેમજ ઓફિસમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં હર્ષદ ભોજકના ઘરેથી ૭૩ લાખની રોકડ અને સોનાના બિસ્કીટ સહિત ૭૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, ભોજકની ઓફિસમાંથી કેટલીંક શંકાસ્પદ ફાઇલો પણ મળી આવી હતી. જે ફાઇલોના સેટીંગ બાદ સહી કરીને આગળ મોકલવાની હતી. આ ઉપરાંત, આશીષ પટેલ પાસેથી ફાઇલ અને કેટલીક જમીનના કેસને લગતી નોટ્સ મળી આવી હતી. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ, હર્ષદ ભોજક કે તેના મળતિયા દ્વારા કેટલાંક પ્રશ્નો અંગે ભેદી મૌન ધારણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે બંનેને સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.એસીબીના સુત્રોના જણાવ્યા મુજબ હર્ષદ ભોજક જમીનના મામલે તોડપાણી કરવા માટે વાંધા કાઢીને નોટીસ મોકલાવતો હતો. તે પછી આશિષ પટેલ જે તે વ્યક્તિનો સંપર્ક કરીને કરોડોની જમીનના સેટલમેન્ટમાં મદદ કરવાનું કહીને લાખો રૂપિયાની લાંચ નક્કી કરતો હતો. જો કે બંનેની સાથે અન્ય અન્ય અધિકારીઓની સંડોવણીની પુરેપુરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ પોલીસે બંનેના તેમજ તેમના પરિવારજનોના બેંક એકાઉન્ટ અને મિલકતોની વિગતો એકઠી કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ સાથે બંનેના મોબાઇલ ફોન પણ જપ્ત કરીને તપાસ માટે એફએસએલમાં મોકલવા માટે તજવીજ કરવામાં આવી છે.