Get The App

સુરતમાં 10 લાખની લાંચ મુદ્દે AAP ના કોર્પોરેટરની ધરપકડ, અધિકારીઓ સામે ઝીરો એક્શન

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
સુરતમાં 10 લાખની લાંચ મુદ્દે AAP ના કોર્પોરેટરની ધરપકડ, અધિકારીઓ સામે ઝીરો એક્શન 1 - image


Surat Corruption : સુરત નગરપાલિકાના પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસેથી 10 લાખ રૂપિયાની લાંચની માંગણીના કિસ્સામાં ACB એ સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી છે. જોકે, આ સમગ્ર કિસ્સામાં નગરપાલિકાના અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ છે. વરાછા ઝોનના આસી. કમિશ્નરની ઓફિસમાં બેઠક કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, છતાં હજુ સુધી પાલિકાના અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. 

સુરતના પુણા મગોબ વિસ્તારમાં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું છે તેમ કહી કોન્ટ્રાકટ રદ કરવાની ધમકી આપી રૂ.11 લાખ માંગી હતી. રકઝક બાદ રૂ.10 લાખ લેવા તૈયાર થયેલા સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર વિરૂધ્ધ સુરત ACB એ વાતચીતના રેકોર્ડિંગની સીડીનું એફએસએલમાં પરીક્ષણ બાદ રૂ.10 લાખની લાંચની માાંગણીનો ગુનો નોંધી કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ ધક્કા ખવડાવાતા AMCના ડે.મ્યુ.કમિ.ને હાજર થઇ હાઇકોર્ટની માફી માંગવી પડી

કોન્ટ્રાક્ટર પાસે માંગી લાંચ

મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલા ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. 53 ના ફાઇનલ પ્લોટ નં. 88 માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી છે. જેના માટે પાલિકાએ હિતેશ સવાણી નામના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જ્યાં કોર્પોરેટર જીતુ કાછડીયા અને વિપુલ સુહાગિયા આવ્યા હતાં. તેઓએ પાર્કિંગના માણસો દ્વારા રસોડાનો સામાન મુક્યો હોય તેવા ફોટા પાડ્યા હતાં અને કોન્ટ્રાક્ટરના માણસો સાથે ઝઘડો પણ કર્યો હતો. ત્યારબાદ સમાધાન માટે પાર્કિંગના અન્ય કોન્ટ્રાક્ટર ભાવેશ જસાણીને મોકલ્યો ત્યારે પતાવટ માટે 11 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. 

કોડવર્ડથી થતી વાત

આ અંગે બંને કોર્પોરેટરોએ કોન્ટ્રાકટર સાથે રૂબરૂમાં તથા મોબાઈલ ફોન પર લાંચની માંગણી અંગેની વાતચીત કરી બાદમાં લંબાણપૂર્વકની રકઝક બાદ રકઝક બાદ રૂ.10 લાખ લેવા તૈયાર થયેલા બંને સાથેની વાતચીતના રેકોર્ડીંગની સીડીનું એફએસએલમાં પરીક્ષણ બાદ એસીબીએ કાર્યવાહી કરી. જોકે, સમગ્ર વાતચીતનું કોન્ટ્રાકટરે ઓડીયો રેકોર્ડિંગ કરી લીધું હતું. વાતચીતમાં બંને કોર્પોરેટરો નાણાં શબ્દને બદલે કોર્ડવર્ડ તરીકે સાંકેતિક ભાષામાં ડોક્યુમેન્ટ આપવાના છે તેવો શબ્દ વાપરતા હતાં. જોકે, વાતચીતમાં જ આરોપીએ ડોક્યુમેન્ટ એટલે નાણાં એવી સ્પષ્ટતા કરી દીધી હતી. લાંચના નાણાં આપવા નહીં માંગતા કોન્ટ્રાકટરે વાતચીતના રેકોર્ડિંગની સીડી સાથેની વિગતવારની અરજી કરતા એસીબીએ પ્રાથમિક તપાસ હાથ ધરી એફએસએલમાંથી સૌપ્રથમ કોન્ટ્રાકટર દ્વારા રજૂ કરવામાં આવેલી સીડીનું નો ટેમ્પરીંગ પ્રમાણપત્ર મેળવ્યું હતું. એસીબીએ સીડીમાં રેકોર્ડ થયેલા સંવાદો અવલોકને લેતા બંને કોર્પોરેટર દ્વારા લાંચની માંગણી થઈ હોવાની હકીકતને સમર્થન પ્રાપ્ત થયું હતું.

આ પણ વાંચોઃ મીની ભારત ગણાતા સુરતમાં રહેતા કોઈ પણ રાજ્યના રેશનકાર્ડ ધારકને મેયર ફંડનો લાભ મળશે

એસીબીએ કાયદાકીય જોગવાઈઓ અનુસાર કોન્ટ્રાકટર તથા બંને કોર્પોરેટરનું એફએસએલ ખાતે વોઇસ સ્પેક્ટોગ્રાફી પરીક્ષણ કરતા પરીક્ષણમાં રજૂ થયેલી સીડીમાં કોન્ટ્રાકટર તથા બંને કોર્પોરેટરના જ અવાજ હોવાનું એફએસએલ દ્વારા પ્રસ્થાપિત થયું અને આ અંગેનું પ્રમાણપત્ર આપ્યું હતું. જેથી અરજીના આક્ષેપો મુજબ બંને કોર્પોરેટરોએ કોન્ટ્રાકટર પાસે કરેલી રૂ.10 લાખની લાંચની માંગણીને તપાસ દરમિયાન સંપૂર્ણપણે સમર્થન પ્રાપ્ત થતાં સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર કલ્પેશ ધડુકે સરકાર તરફે ફરિયાદી બની બંને કોર્પોરેટરો જીતુ ઉર્ફે જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો નોંધી કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી હતી. વધુ તપાસ એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના સુપરવિઝન હેઠળ થઈ રહી છે.

અધિકારી સામે કોઈ કાર્યવાહી કેમ નહીં? 

ગઈકાલથી ACB ની ટીમ દ્વારા આ કોર્પોરેટર સામે કાર્યવાહી થઈ રહી છે. જોકે, બીજી તરફ ફરિયાદમાં અધિકારીઓ સામે જે ગંભીર આક્ષેપ કરાયા હતાં તેની સામે કોઈ કાર્યવાહી થઈ રહી નથી. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે, સુરત નગરપાલિકાના અધિકારીઓની ઓફિસમાં લાંચની કામગીરી થતી હોવાની ફરિયાદ સામે પાલિકા તંત્ર હજુ કેમ ઊંઘી રહ્યું છે? આ સાથે શંકાના દાયરામાં હોવા છતાં અધિકારીઓ સામે હજું સુધી કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી? 


Google NewsGoogle News