અમદાવાદમાં પડતર પ્રશ્નોને લઈને ABVPનો સૂત્રોચ્ચાર સાથે હોબાળો, જીટીયુના કુલપતિને ધક્કે ચડાવ્યા
ABVP Protest Against GTU: અમદાવાદમાં પડતર પ્રશ્નો મુદ્દે એબીવીપીએ ગુજરાત ટૅક્નોલૉજિકલ યુનિવર્સિટી(જીટીયુ)માં ભારે હોબાળો કર્યો હતો. જીટીયુમાં માર્કશીટ, વધારાની ફી, એનસીસી ક્રેડિટ્સ સહિતના પડતર પ્રશ્નોને લઈને વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડે છે, જેના વિરોધમાં આજે (10 સપ્ટેમ્બર) એબીવીપી કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને જીટીયુના પ્રાંગણમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાં પોલીસ બોલાવવી પડી હતી. આ દરમિયાન પોલીસ અને યુનિવર્સિટી સિક્યોરિટી દ્વારા એબીવીપીના કાર્યકરોને અટકાવવામાં આવતાં ઝપાઝપી થઈ હતી. જે બાદ એબીવીપીના કાર્યકરો બળજબરીથી જીટીયુની અંદર ઘૂસી ગયા હતા અને યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરને ધક્કે ચઢાવીને પડતર પ્રશ્નોને લઈને ઉધડો લીધો હતો.
પડતર પ્રશ્નો મુદ્દે એબીવીપીની રજૂઆત
નોંધનીય છે કે, એબીવીપીએ રજૂઆત કરી હતી કે, જીટીયુમાં એફિલેશન ફીના નામે વધારે રૂપિયા લેવામાં આવે છે તે રદ કરવામાં આવે, પરીક્ષાનું પરિણામ આવી ચૂક્યું હોવા છતાં માર્કશીટ આપવામાં આવતી નથી. રિ-એસેસમેન્ટમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમને ફી રિફંડ કરવામાં આવી નથી. એનસીસીની ક્રેડિટ મળવી જોઈએ તે ક્રેડિટ આપવામાં આવી નથી. આ ઉપરાંત CCC કૌભાડ અને મહિલા પ્રોફેસરની જાતીય સતામણી મામલે પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ ગુજરાત પર ત્રણ સિસ્ટમની અસર, આગામી 48 કલાકમાં આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
ગેટ બહાર બેસીને સૂત્રોચાર કર્યા
અગાઉ આ પ્રશ્નોને લઈને વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ સમાધાન ન આવતાં આજે (10 સપ્ટેમ્બર) એબીવીપીના કાર્યકરો આક્રમક રીતે વિરોધ કરવા પહોંચ્યા હતા. જો કે, તેમને ગેટ પાસે રોકી લેવામાં આવતાં તેમણે ગેટ બહાર બેસીને સૂત્રોચાર કર્યા હતા. જે પછી, કાર્યકરો પોલીસ અને સિક્યોરિટી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી મોટી સંખ્યામાં યુનિવર્સિટીની અંદર ઘૂસી ગયા હતા. આ દરમિયાન તેમણે કુલપતિની ઑફિસ બહાર બેસી રામધૂન પણ બોલાવી હતી. અંતે એબીવીપી કાર્યકરોએ જીદ કરતાં કુલપતિએ તેમની રજૂઆત સંભાળી હતી.
કાર્યકરોએ કુલપતિનો ઉધડો લીધો
જીટીયુના કુલપતિ એબીવીપીના પ્રશ્નોનો જવાબ આપી શક્યા નહોતા. જેથી એબીવીપીના આગેવાનોએ કુલપતિ રાજુલ ગજ્જરનો ઉધડો લીધો હતો. જો કે, મામલો વધુ ગરમાતાં ઝોન 2 ડીસીપી પણ સ્થળ પર પહોંચી ગયા હતા. અંતે કુલપતિએ તમામ પ્રશ્નોનું 15 દિવસમાં નિરાકરણ લાવવા બાંયધરી આપી હતી.