સુરક્ષા સામે સવાલ: આપ કાર્યાલયનું તાળું તૂટ્યું, મહત્ત્વના ડોક્યુમેન્ટ અને ડેટા ચોરવાનો પ્રયાસ
Documents and Data Robbery: દિવાળીના ટાળે મોટાભાગે ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હતો. એકલતાનો લાભ લઇને તસ્કરો હાથ સફાઇ કરી નાખતા હોય છે. ત્યારે હવે ઘર દુકાન તો છોડો રાજકીય પાર્ટીના કાર્યાલયના તાળા તૂટ્યા છે. અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તાળું તૂટ્યું છે. આમ આદમી પાર્ટીને આશંકા છે કે કાર્યાલયમાં મહત્ત્વના દસ્તાવેજો અને ડેટાની ચોરી થઇ છે. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. કાર્યાલયમાંથી કઇ કઇ વસ્તુઓની ચોરી થઇ છે તે અંગે વિગતવાર ફરિયાદ દાખલ કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારોમાં મોટેભાગે વેકેશનનો માહોલ હોય છે. ત્યારે કાર્યાલય ઓફિસમાં કામ કરતો કર્મચારી બપોરના સમયે તાળુ મારીને સંબંધીને ત્યાં ગયો હતો, ત્યારબાદ સાંજે સાત વાગ્યાની આસપાસ પરત ફર્યો ત્યારે ઓફિસનું તાળું તૂટેલી હાલતમાં જોયું એટલે એટલે તેણે પાર્ટીના પદાધિકારીઓને જાણ કરી તેમને ઓફિસ પર બોલાવ્યા અને 100 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરી હતી.
આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ઓફિસ કાર્યાલયમાંથી કઇ કઇ વસ્તુઓની ચોરી થઇ છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છે. પરંતુ પાર્ટીના મહત્ત્વના દસ્તાવેજ અને ડેટાની ચોરીની થઇ હોવાની આશંકા છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ચેમ્બર સુધી ચોર પહોંચ્યા હતા. કેટલીક વસ્તુઓની ચોરી પણ થઇ છે. રાષ્ટ્રીય પાર્ટીના કાર્યાલય પર ચોરીની ઘટના કાયદો વ્યવસ્થાની હાલત ઉજાગર કરે છે. કાર્યાલયનો બહારનો દરવાજો બંધ તેને તોડવામાં આવ્યો હતો અને એલઇડી ટીવી સહિત અગત્યના ડોક્યુમેન્ટ અને ડેટા ચોરાયા હોવાની આશંકા છે. આ ખૂબ જ ગંભીર બાબત છે, ગુજરાતમાં કોઇ સુરક્ષિત નથી.