ગુજરાતની પેટાચૂંટણીમાં પણ થઈ શકે છે AAP-કોંગ્રેસનું ગઠબંધન! જાણો કયો પક્ષ કેટલી બેઠક પર લડશે

રાજ્યની છ વિધાનસભાની બેઠક ખાલી પડી છે, પાંચ બેઠક પર પેટાચૂંટણી યોજાશે

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
ગુજરાતની પેટાચૂંટણીમાં પણ થઈ શકે છે AAP-કોંગ્રેસનું ગઠબંધન! જાણો કયો પક્ષ કેટલી બેઠક પર લડશે 1 - image


Gujarat By-Elections: ચૂંટણી પંચે શનિવારે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને પહેલી જૂને સાતમાં એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે, ચોથી જૂને પરિણામ જાહેર થશે. ગુજરાતમાં સાત મેના લોકસભાની 26 બેઠકો પર યોજાશે. સાથે રાજ્યની કુલ પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પર મતદાન થશે. આ દરમિયાન સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોંગ્રેસ અને AAP એક થઈને આ પેટાચૂંટણી લડવાના મૂડમાં છે.

પેટાચૂંટણી માટે કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન: સૂત્રો

લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ અને ભાવનગર બેઠક પરથી કોંગ્રેસ અને આપના ગઠબંધનથી ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. ત્યારે હવે બંને પક્ષ વચ્ચે વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ગઠબંધનની શક્યતા રહેલી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, લોકસભાની ચૂંટણી જાહેરાત બાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે મળેલી બેઠકમાં બંને પક્ષે ગઠબંધનને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ માટે બંને પક્ષ દ્વારા 4 બેઠક પર કોંગ્રેસ, 2 બેઠક પર AAP ચૂંટણી લડી શકે છે. તેમજ વિસાવદર બેઠક પેટાચૂંટણી જાહેર થઈ શકે છે. બંને પક્ષ સાથે મળીને ચૂંટણી લડે તો પેટાચૂંટણીમાં સારા પરિણામ મળી શકે છે. જેના માટે પેટાચૂંટણીમાં ગઠબંધન કરવા માટે બંને પક્ષો હાઈકમાન્ડને અભિપ્રાય મોકવામાં આવી શકે છે.

આ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે

રાજ્યમાં હાલ 4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પક્ષ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. છ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા તેમની બેઠક ખાલી પડી છે. ખંભાત, વિજાપુર,વાઘોડિયા, પોરબંદર અને માણાવદરમાં પેટાચૂંટણી યોજાશે. જો કે, વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ ચૂંટણી પંચ દ્વારા આ બેઠક પર પેટાચૂંટણી યોજવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે

પ્રથમ તબક્કો : 19મી એપ્રિલ

બીજો તબક્કો : 26મી એપ્રિલ

ત્રીજો તબક્કો : સાતમી મે

ચોથો તબક્કો : 13મી મે

પાંચમો તબક્કો : 20મી મે

છઠ્ઠો તબક્કો : 25મી મે

સાતમો તબક્કો: પહેલી જૂન

પરિણામો: ચોથી જૂન

ગુજરાતની પેટાચૂંટણીમાં પણ થઈ શકે છે AAP-કોંગ્રેસનું ગઠબંધન! જાણો કયો પક્ષ કેટલી બેઠક પર લડશે 2 - image


Google NewsGoogle News