'બીજો કોઈ રસ્તો નથી...', અમદાવાદમાં બુટલેગરના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
Youth Committed Suicide, Ahmedabad : ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ઠેર-ઠેર દારુનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. જેમાં કેટલાક બુટલેગરો તો પોલીસને પણ ગાઠતા નથી, ત્ચારે અમદાવાદમાં બુટલેગરના ત્રાસથી રાણીપના એક યુવકે આપઘાત કર્યો છે. યુવકે આપઘાત કરતાં પહેલા ચોંકાવનારી સ્યુસાઈડ નોટ લખી છે.
બુટલેગરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના રાણીપ કાળીગામ પાસે હાઉસિંગ બોર્ડમાં રહેતા 21 વર્ષીય ચિરાગ રાઠોડે બુટલેગરના ત્રાસથી રાણીપ જીએસટી ફાટક રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન નીચે આવીને આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. યુવકે આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી.
'બીજો કોઈ રસ્તો નથી...'
યુવકે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, 'હું અને મારા પપ્પા બેકસૂર છીએ. Sorry My Family. હું તમને છોડીને જાવ છું, પણ હું પોતાને અને મારી ફેમિલીને બેકસૂર સાબિત કરવા માટે બીજો કોઈ રસ્તો નથી. તેથી માટે આ કરવું પડે છે.'
મળતી માહિતી પ્રમાણે, એક માસ પહેલા મૃતક યુવકના પિતાએ બુટલેગર વિરુદ્ધ પોલીસ અરજી કરી હતી. આ પછી બુટલેગર તેમના પર અદાવત રાખીને યુવકને પરેશાન કરતો હોવાથી યુવકે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.