ન્યુઝીલેન્ડની વર્ક પરમીટ અપાવવાનું કહીને અમદાવાદના યુવક સહિત અનેક સાથે ઠગાઇ
Ahmedabad Visa Fraud : વિદેશમાં વર્ક પરમીટના નામે થતી છેતરપિંડીના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં ચાંદખેડા ન્યુ સી.જી રોડ પર આવેલી એક ફર્મના બે સંચાલકોએ એક યુવક સહિત અનેક લોકો સાથે ન્યુઝીલેન્ડના વર્ક વિઝા અપાવવાની ખાતરી આપીને લાખોની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ચાંદખેડા પોલીસ મથકે નોંધવામાં આવી છે. છેતરપિંડી આચરનાર આરોપીઓએ અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિડીં કર્યાની વિગતો પણ સામે આવી છે.
ચાંદખેડામાં આવેલી ફર્મના ગઠિયાઓએ ન્યુઝીલેન્ડની કંપનીનાના બનાવટી કાગળો તૈયાર કરીને વિઝા પ્રોસેસ થતું હોવાનું કહીને નાણાં લઇ લીધા
ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલી ઉમીયા રેસીડેન્સીમાં રહેતા હાર્દિક પટેલને ન્યુઝીલેન્ડમાં વર્ક પરમીટના વિઝા સાથે સેટ થવાનું હોવાથી અલગ અલગ સાઇટ પર જોતા હતા. ત્યારે સોશિયલ મિડીયામાં તેમને ન્યુઝીલેન્ડના વર્ક પરમીટ સાથેના વિઝાની ખાતરી આપતી જાહેરાત જોઇને ચાંદખેડા ન્યુ સીજી રોડ પર આવેલા નોર્થ પ્લાઝા સ્થિત યોર ડ્રીમ ઓવરસીઝ નામની ઓફિસમાં જઇને હેમાબેન નામની મહિલાને મળીને 22 લાખ રૂપિયામાં ન્યુઝીલેન્ડની વર્ક પરમીટના વિઝાની ડીલ નક્કી કરી હતી. જે પૈકી 10 ટકા રકમ ટોકન પેટે લીધી હતી. જેમાં ઓફિસનું સંચાલન કરતા જય મોદી (રહે. અપેક્ષા એપાર્ટમેન્ટ, ઘાટલાડિયા) અને કુશ પટેલનો સપંર્ક કરીને જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા હતા અને કરાર કરીને પાંચ મહિનામાં વર્ક પરમીટનું કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. જેમાં તેમને ન્યુઝીલેન્ડની કંપનીના બનાવટી કાગળો વોટ્સએપ પર મોકલી આપ્યા હતા. બાદમાં ફોન ઉઠાવવાના બંધ કરી દીધા હતા અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જય મોદી અને કુશ પટેલે ઓફિસ બંધ કરી દીધી હતી. બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બંને જણાએ અનેક લોકોને ન્યુઝીલેન્ડ અને અન્ય દેશોના વિઝાના નામે લાખોની છેતરપિંડી આચરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.