દિવાળી પર્વ અગાઉ એક સપ્તાહમાં , ટ્રેડીશનલ,રીચ સ્વિટ,દેશી ઘી-તેલનો ૫૯૨૧ કિલો જથ્થો સીઝ કરાયો
માવા ઉપરાંત બરફી,કાજુ કતરી, કાલાજામ વગેરેના ૭૪ શંકાસ્પદ સેમ્પલ લેવાયા
અમદાવાદ,શનિવાર,4 નવેમ્બર,2023
દિવાળી પર્વ અગાઉ એક સપ્તાહના સમયમાં અમદાવાદ મ્યુનિ.ના ફુડ
વિભાગ દ્વારા ટ્રેડીશનલ અને રીચ સ્વિટ ઉપરાંત દેશી ઘી-તેલ વગેરેનો રુપિયા ૧૦.૩૫
લાખની કિંમતનો ૫૯૨૧.૪૬ કિલોગ્રામ જથ્થો સીઝ કર્યો છે.માવા ઉપરાંત બરફી,કાજુકતરી,કાલાજામ
વગેરેના ૭૪ શંકાસ્પદ સેમ્પલ લઈ લેબોરેટરી
તપાસ માટે મોકલી અપાયા છે.
મ્યુનિ.ના એડીશનલ એમ.ઓ.એચ.ડોકટર ભાવિન જોષીના કહેવા મુજબ,ફુડ વિભાગ દ્વારા
મીઠા માવાનો રુપિયા ૪૦ હજારથી વધુની કિંમતનો ૧૩૬ કિલોગ્રામ, પનીરનો રુપિયા ૮
હજારથી વધુની કિંમતનો ૧૮ કિલોગ્રામ તેમજ ઘીનો રુપિયા ત્રણ હજારથી વધુની કિંમતનો
જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે.૨૯ ઓકટોબરથી ૪ નવેમ્બર-૨૦૨૩ સુધીના એક સપ્તાહના
સમયમાં એસ્કીમો એગ્રીફ્રેશ કોલ્ડસ્ટોરેજ પ્રા.લી., જી.આઈ.ડી.સી.,નરોડા
ખાતેથી ટ્રેડીશનલ સ્વિટ(ગોકુલ)નો રુપિયા ૨.૫૪ લાખથી વધુની કિંમતનો ૧૪૯૮ કિલોગ્રામ,રીચ સ્વિટ
ડિલાઈટ(રાધે)નો રુપિયા ૩.૩૫ લાખથી વધુની કિંમતનો ૨૦૯૮ કિલોગ્રામ, સેફ માર્ક
પ્રિમીયમ વીપ ટોપીંગ(માવીસ)નો રુપિયા ૨.૩૧ લાખથી વધુની કિંમતનો ૧૦૦૬ કિલોગ્રામ
જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત શ્રી યોગેશ્વર માર્કેટીંગ,માધુપુરા ખાતેથી
પામોલીન તેલ (અર્બુદા ગોલ્ડ)નો રુપિયા એક લાખથી વધુની કિંમતનો ૧૧૨૩.૪ કિલોગ્રામ,એચ.પી.ફુડસ, માધુપુરા ખાતેથી
પ્યોર ઘી(શુધ્ધ આહાર) નો રુપિયા ૧૭ હજારથી વધુ કિંમતનો ૪૪.૨ કિલોગ્રામ તેમજ રાયપુર
દરવાજા બહાર આવેલા સુમન માર્કેટીંગ ખાતેથી દેશી ઘી(મધુસુદન)નો રુપિયા ૯૪ હજારથી
વધુની કિંમતનો ૧૫૧.૮૬ કિલોગ્રામ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.૪ નવેમ્બર સુધીમાં
ફરસાણ-નમકીનના ૩૯,ચોકલેટના
૭,બેકરી પ્રોડકટસના
૧૪,ઘી-પનીરના ૪,ખાદ્યતેલના પાંચ, બેસન-મેંદાના ૨૧, મસાલાનુ એક
સેમ્પલ તથા અન્ય પચાસ શંકાસ્પદ સેમ્પલ પણ લેવામા આવ્યા હતા.૨૩૩ નોટિસ આપી ૧.૨૩
લાખથી વધુની રકમ વહીવટી ચાર્જ પેટે વસુલ કરાઈ હતી.