ગુજરાત હાઈકોર્ટના એક ચુકાદાથી 32 હજાર નિવૃત્ત કર્મચારીઓને મોટો ફાયદો, જાણો મામલો
Gujarat High Court verdict : ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે રાજય સરકારના વિવિધ વિભાગના સંબંધિત નિવૃત્ત કર્મચારીઓના કેસ વ્યકિતગત ધોરણે ચકાસી તેઓને સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ, મળવાપાત્ર એક ઇન્ક્રીમેન્ટનો લાભ અને એરિયર્સ છ સપ્તાહમાં ચૂકવી આપવા રાજય સરકારને આદેશ કર્યો છે. જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે પોતાના હુકમમાં એ પણ સ્પષ્ટ કર્યુ હતું કે, જે નિવૃત્ત કર્મચારીઓ વૈધાનિક સત્તામંડળમાંથી નિવૃત્ત થયા હશે અને જેઓને પેન્શન સ્કીમ લાગુ પડતી હશે તેવા નિવૃત્ત કર્મચારીઓને જ એક ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે.
સુપ્રીમ કોર્ટના હુકમ અનુસાર નિર્ધારિત કેટગેરીના સંબંધિત નિવૃત્ત કર્મીઓને જ લાભ
નિવૃત્ત સરકારી કર્મચારીઓ તરફથી કરાયેલી ઢગલાબંધ કન્ટેમ્પ્ટ પિટિશનોનો નિકાલ કરતાં ગુજરાત હાઇકોર્ટે આ હુકમ કર્યો હતો. છેલ્લા ઘણા લાંબા સમયથી એક ઇન્ક્રીમેન્ટ અને તેના એરિયર્સના કાનૂની વિવાદનો આખરે હાઇકોર્ટના આ ચુકાદાથી સુખદ અંત આવ્યો છે. હાઇકોર્ટે સુપ્રીમકોર્ટના 20 ફેબ્રુઆરી 2025ના હુકમ મુજબ નિર્ધારિત કરાયેલી કેટેગરી મુજબ, આ લાભો ચૂકવી આપવા અને તેનું પાલન કરવા રાજય સરકારને સ્પષ્ટ તાકીદ કરી હતી.
નિવૃત કર્મચારીઓ તરફથી કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં રાજય સરકાર તરફથી રજૂઆત કરતાં મુખ્ય સરકારી વકીલ ગુરશરણસિંહ વિર્કએ જણાવ્યું હતું કે, આ કેસમાં સુપ્રીમકોર્ટે ત્રણ કેટેગરીમાં સંબંધિત નિવૃત્ત કર્મચારીઓને એક ઇન્ક્રીમેન્ટ અને એરિયર્સનો લાભ આપવા ઠરાવ્યું છે તે મુજબ, રાજય સરકારે જરૂરી પ્રક્રિયા હાથ ધરી છે, જેમાં આવા 32 હજારથી વઘુ કર્મચારીઓ છે.
જો કે, આ સમગ્ર પ્રક્રિયામાં છ મહિનાનો સમય લાગે તેમ છે. તેથી હાઇકોર્ટે સરકારને પૂરતો સમય આપવો જોઇએ. ખંડપીઠે સરકારને છ મહિનામાં સુપ્રીમકોર્ટે તેના 20 ફેબ્રુઆરી 2025ના હુકમમાં નિર્દેશ કર્યા પ્રમાણે સંબંધિત નિવૃત્ત કર્મચારીઓને ઇજાફા અને એરિયર્સના લાભો ચૂકવી આપવા હુકમ કર્યો હતો.
કઇ કેટેગરીના નિવૃત્ત સરકારી કર્મચારીઓને આ લાભો મળશે
સુપ્રીમકોર્ટ દ્વારા નિર્ધારિત કરાયેલી કેટગેરી મુજબ, જે નિવૃત્ત કર્મચારીઓ કોર્ટમાં ગયા નથી કે કેસ કર્યા નથી તેવા સંબંધિત નિવૃત્ત સરકારી કર્મચારીઓને 1 મે 2023 કે તે પછીથી એક ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે. તો જે કિસ્સામાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ દ્વારા કોર્ટ કેસ કરાયા હશે તો તેવા કેસમાં 20 ફેબ્રુઆરી 2025ની સ્થિતિએ તેઓએ કેસ ફાઇલ કર્યા હશે ત્યારથી ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે.